IND vs AUS ODI Series : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય વન ડે અને ટી-20 ટીમોની જાહેરાત કરવામાં આવી છે અને આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ત્રણ વન ડેની શ્રેણીમાં રમશે. આ વન ડે શ્રેણીમાં ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા નહીં પણ ટીમનો નવો કેપ્ટન બનનાર શુભમન ગિલ કરશે. વન ડે કેપ્ટન તરીકે ગિલનો આ પ્રથમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ હશે અને ટીમને સફળ બનાવવા માટે તેના પર પણ દબાણ રહેશે. 19 ઓક્ટોબરથી પ્રથમ વન-ડે રમાશે.
શુભમન ગિલ-રોહિત શર્મા ઇનિંગ્સની શરૂઆત કરશે
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં આકરો પડકાર મળશે અને કાંગારુ ટીમને હરાવવા માટે ભારતે તેની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરવું પડશે, જે આ રીતે હોઈ શકે છે. રોહિત શર્મા કેપ્ટન શુભમન ગિલ સાથે ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે જ્યારે યશસ્વી જયસ્વાલને રાહ જોવી પડી શકે છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમશે, જે વન-ડેમાં આ ક્રમમાં ભારત માટે બેટિંગ કરે છે.
શ્રેયસ ઐયર ચોથા સ્થાને રમવા ઉતરશે
વન ડે ટીમનો નવો વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયર કાંગારુ ટીમ સામે ચોથા નંબર પર રમતો જોવા મળી શકે છે, જ્યારે ટીમમાં વિકેટકીપરની ભૂમિકા ભજવનાર કેએલ રાહુલ નંબર 5 પર રમશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં નીતિશ કુમાર રેડ્ડીને વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ અક્ષર પટેલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની રહેશે. અક્ષરને રવિન્દ્ર જાડેજા પર પ્રાધાન્ય મળ્યું છે. જાડેજાને આ વન ડે શ્રેણી માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી.
આ પણ વાંચો – જો રોહિત શર્મા કેપ્ટન નથી તો ટીમમાં કેમ છે? પૂર્વ પસંદગીકારે ઉઠાવ્યા સવાલ
ફાસ્ટ બોલર તરીકે સિરાજ અને અર્શદીપ સિંહને તક મળી શકે છે
ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનર તરીકે કુલદીપ યાદવ પ્રથમ પસંદગી હોઈ શકે છે. જ્યાં સુધી ફાસ્ટ બોલરોની વાત છે ત્યાં સુધી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ તેમાં આગેવાની લેતા જોવા મળી શકે છે. હર્ષિત રાણાને તક મળી શકે છે કારણ કે તે બેટિંગ પણ કરી શકે છે. સિરાજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો ન હતો, પણ તેના હાલના દેખાવને કારણે તે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાનો દાવેદાર છે.
ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.