Rohit Sharma and Virat Kohli, IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ મેદાન પર પરત ફરવાના છે. બંને ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. બંનેના લક્ષ્ય પર કેટલાક મોટા રેકોર્ડ પણ બનવા જઈ રહ્યા છે. આગામી વન ડે શ્રેણીમાં ભારતીય ટીમના આ બંને દિગ્ગજ ખેલાડીઓ સાથે મળીને ત્રણ દિગ્ગજ દિગ્ગજોના રેકોર્ડ તોડી શકે છે.
2025માં રોહિત 8 અને કોહલી 7 વન-ડે રમ્યો છે
રોહિત શર્મા પાસે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં બે રેકોર્ડ બનાવવાની તક છે. જે પછી તે બંને દેશોના દિગગ્જ ખેલાડીઓને પાછળ છોડી દેશે. જ્યારે વિરાટ કોહલી પણ મોટા રેકોર્ડની દ્રષ્ટિએ ભૂતપૂર્વ લેજન્ડરી ખેલાડીને પાછળ છોડવાની ખૂબ નજીક છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિતે 8 વન ડેમાં 302 રન ફટકાર્યા છે. જ્યારે વિરાટ કોહલીએ આ વર્ષે 7 વન-ડેમાં 275 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. હવે બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે તેમના આંકડા વધારી શકે છે.
રોહિતના ટાર્ગેટ પર શાહિદ આફ્રિદી અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે શાહિદ આફ્રિદીનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. વન-ડે ક્રિકેટમાં શાહિદ આફ્રિદીના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કારકિર્દીમાં 351 સિક્સર ફટકારી હતી. તે વિશ્વમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી છે. રોહિત શર્મા 344 સિક્સર સાથે બીજા સ્થાને છે. એટલે કે રોહિત ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણીમાં કુલ મળીને 8 સિક્સર ફટકારીને નંબર 1નું સ્થાન કબજે કરી શકે છે.
આ પણ વાંચો – રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર ગૌતમ ગંભીરે આપી હીંટ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
રોહિત શર્મા પાસે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દેવાની તક છે. રોહિતે અત્યાર સુધી ભારત માટે 273 વન-ડેની 265 ઇનિંગ્સમાં 11,168 રન બનાવ્યા છે. જ્યારે વન ડે ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના નામે 11,363 રન છે. એટલે કે જો રોહિત વન ડે શ્રેણીની ત્રણ મેચમાં કુલ મળીને 196 રન ફટકારશે તો તે વન ડેમાં સૌથી વધુ રન ફટકારવામાં ભારતનો ત્રીજો બેટ્સમેન બની જશે. સચિન તેંડુલકર ટોચના સ્થાને છે, વિરાટ કોહલી બીજા અને સૌરવ ગાંગુલી ત્રીજા સ્થાને છે. રોહિત શર્મા આ યાદીમાં ચોથા નંબર પર છે.
કુમાર સંગાકારાના રેકોર્ડ પર વિરાટ કોહલીની નજર
વિરાટ કોહલી હાલમાં વિશ્વમાં સૌથી વધુ વન-ડે રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં સચિન તેંડુલકર 18426 રન સાથે ટોચ પર છે. જ્યારે શ્રીલંકાનો ભૂતપૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારા બીજા સ્થાને છે, જેણે વન ડેમાં 14234 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે, જેણે 302 વનડેમાં 14181 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં 54 રન ફટકાર્યા બાદ તે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવવાના મામલે વિશ્વનો નંબર 2 બેટ્સમેન બની જશે.