Surya Kumar Yadav Press Conference : વર્લ્ડ કપ પુરો થયાના ત્રણ દિવસ બાદ ફરી ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને દેશો વચ્ચે પાંચ ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે, જે ગુરુવારને 23 નવેમ્બરથી શરુ થશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારા મોટાભાગના ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હંમેશા યાદ રાખશે. આનું કારણ તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા બે મીડિયાકર્મીઓ
પત્રકાર પરિષદમાં સામેલ પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવની પીસીમાં માત્ર બે જ મીડિયા કર્મચારીઓ છે. રવિવારે વર્લ્ડ કપ ફાઇનલ પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 200થી વધુ લોકો હતા. જ્યારે બુધવારે આ સંખ્યા માત્ર બે સુધી જ સીમિત રહી હતી. જિયો સિનેમાએ આ પીસીનો વીડિયો શેર કર્યો છે, જે માત્ર 3 મિનિટ 32 સેકન્ડનો છે.
વર્લ્ડ કપની હારને ભૂલતાં સમય લાગશે
સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપની હાર બાદ મેદાન પર ઉતરવા અંગે જણાવ્યું હતું કે વર્લ્ડ કપની હારને ભૂલી જવામાં સમય લાગશે. એવું નથી કે તમે બીજા દિવસે ઉઠશો અને બધું બરાબર થઈ જશે. પરંતુ હવે આપણે પણ આગળ જોવાનું છે. શ્રેણી માટે ટીમમાં નવા ખેલાડીઓ છે, એક નવો ઉત્સાહ છે, અમે તેના માટે ઉત્સાહિત છીએ.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન
ટી-20 વર્લ્ડ કપ પહેલા દરેક મેચ મહત્વની છે
સૂર્યકુમાર યાદ વધુમાં કહ્યું કે 2024ના ટી-20 વર્લ્ડ કપ પહેલા અમે જે પણ ટી-20 મેચ રમીશું તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મેં યુવા ખેલાડીઓને કહ્યું છે છે કે નિર્ભયતાથી રમો અને ટીમ માટે જે પણ કરી શકો તે કરો. તે આઈપીએલ અને ઘરેલું ક્રિકેટમાં આવું જ કરતા આવ્યા છે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
ભારતીય ટીમ 23 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી-20 મેચ રમશે. જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી-20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે. જ્યારે શ્રેણીની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે.
પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમાર.