Ind vs Aus T20i Records : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે. પ્રથમ ટી 20 મેચ કેનબરાના મનુકા ઓવલમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.45 થી શરુ થશે. આ પહેલા ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો 2-1થી વિજય થયો હતો.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી 20 હેડ ટુ હેડ
ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 20 મેચમાં વિજય થયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 11 મેચમાં વિજય થયો છે. એક મેચમાં કોઇ રિઝલ્ટ આવ્યું ન હતું.
ઓસ્ટ્રેલિયામાં ભારતના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું છે. જેમાંથી 11માં ભારતનો વિજય થયો છે, જ્યારે 6 માં પરાજય થયો છે, એક ટી-20 મેચ અનિર્ણિત રહી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયામાં ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતનો સફળતાનો દર 64.70 ટકા છે.
ભારત 17 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટી-20 મેચ રમ્યું હતું
ઓસ્ટ્રેલિયામાં ભારત તેની પ્રથમ ટી-20 મેચ 1 ફેબ્રુઆરી 2008ના રોજ રમ્યું હતું. મેલબોર્નમાં રમાયેલી તે મેચમાં ભારતનો 9 વિકેટથી પરાજય થયો હતો. તે મેચમાં ભારતનો કેપ્ટન એમએસ ધોની હતો.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતે સૌપ્રથમ વિજય 3 ફેબ્રુઆરી 2012ના રોજ મેળવ્યો હતો. તે મેચ પણ મેલબોર્નમાં રમાઈ હતી. તે મેચમાં પણ ભારતની કમાન એમએસ ધોનીના હાથમાં હતી.
રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
ભારતને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો. 19.4 ઓવરમાં 2 વિકેટે 135 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હાલના હેડ કોચ ગૌતમ ગંભીરે તે મેચમાં 60 બોલમાં અણનમ 56 રન ફટકાર્યા હતા. વિરેન્દ્ર સહેવાગે 16 બોલમાં 23 અને વિરાટ કોહલીએ 24 બોલમાં 31 રન બનાવ્યા હતા. એમએસ ધોની 18 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં 16 રનમાં એક વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનોને રનઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો – શ્રેયસ ઐયરની તબિયત હવે કેવી છે? BCCI એ આપી હેલ્થ અપડેટ
ઓસ્ટ્રેલિયામાં ભારતનો હાઈએસ્ટ સ્કોર : 200/3
ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતનો હાઈએસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયામાં 3 વિકેટે 200 રન છે. ભારતે 31 જાન્યુઆરી, 2016ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે ટાર્ગેટનો પીછો કરતાં આ સ્કોર નોંધાવ્યો હતો. ભારતને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ હતો.
ઓસ્ટ્રેલિયામાં ભારતનો સૌથી ઓછો સ્કોર : 74/10
આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયામાં ભારતનો લોએસ્ટ સ્કોર 74 રન (17.3 ઓવર) છે. 1 ફેબ્રુઆરી, 2008ના રોજ મેલબોર્નમાં રમાયેલી તે મેચમાં ભારતના 10 બેટ્સમેનો ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહતા. ઓસ્ટ્રેલિયાના નાથન બ્રેકેને 3 અને એડમ વોગ્સે 2 વિકેટ ઝડપી હતી.





