IND vs AUS Test : ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરુઆત સારી રહી નથી. તેની કેપ્ટન્સીમાં શ્રેણીની પ્રથમ મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાને એડીલેડ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહે શ્રેણીની પ્રથમ મેચમાં કેપ્ટન્સી કરી હતી તે સમયે ભારતનો વિજય થયો હતો. સિરીઝની વચ્ચે જ્યારે પણ રોહિત શર્મા કેપ્ટનશિપ સંભાળે છે ત્યારે ભારત ખાતામાં હારી આવે છે.
રોહિત શર્મા પોતાના પુત્રના જન્મને કારણે ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો ન હતો. તે પર્થ ટેસ્ટ રમ્યો ન હતો. ભારતીય ટીમે પર્થ ટેસ્ટ મેચ 295 રનથી જીતી લીધી હતી. આ પછી ભારતે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે રોહિત શર્મા બીજી ટેસ્ટમાં ટીમમાં પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ જબરજસ્ત પુનરાગમન કરતાં 10 વિકેટથી વિજય મેળવ્યો હતો અને શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી હતી.
માર્ચમાં શ્રેણીની મધ્યમાં કેપ્ટન્સી સંભાળી હતી
ગત વર્ષે માર્ચ મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાઈ હતી. રોહિત શર્મા શ્રેણીની પ્રથમ મેચમાં રમ્યો ન હતો અને કેપ્ટન્સી ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને આપવામાં આવી હતી. પંડ્યાની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. રોહિત શર્મા બીજી મેચમાં પરત ફર્યો હતો અને બાકીની બંને મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. ભારતનો બીજી વન ડે 10 વિકેટથી અને ત્રીજી વન ડે 21 રનથી પરાજય થયો હતો. ભારતે 1-2થી શ્રેણી ગુમાવી હતી.
આ પણ વાંચો – એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારત કેવી રીતે પહોંચી શકશે WTC ફાઇનલમાં?
રોહિતની કેપ્ટન્સીમાં ભારત મેચ હાર્યું
આ પછી સપ્ટેમ્બર 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડેની શ્રેણી રમાઈ હતી. રોહિત શર્મા આ શ્રેણીની પ્રથમ બે મેચમાં રમ્યો ન હતો. કેએલ રાહુલે તેની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કરી હતી. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. જ્યારે બીજી મેચ 99 રનથી જીતી હતી. આ પછી રોહિત શર્માની સીરિઝની છેલ્લી મેચમાં એન્ટ્રી થઇ હતી. સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાનો 66 રને પરાજય થયો હતો.





