IND vs BAN 1st Test Match, 1st Day Highlights: આર અશ્વિનની અણનમ સદી (102), રવિન્દ્ર જાડેજાના અણનમ 86 અને યશસ્વી જયસ્વાલના 56 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રભુત્વ મેળવી લીધું છે. પ્રથમ દિવસના અંતે ભારતે 80 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 339 રન બનાવી લીધા છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં 227 બોલમાં 195 રનની અતૂટ ભાગીદારી કરી છે.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે હવે સાતમી કે ત્યારપછીની વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા સૌથી મોટી ભાગીદારી 2009માં હેમિલ્ટનમાં ભારત સામે જેસી રાઇડર અને ડેનિયલ વેટ્ટોરીએ 186 રન બનાવી નોંધાવી હતી. આમ બન્નેએ 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિન અને જાડેજાની આ ભાગીદારી એટલા માટે પણ ખાસ છે કારણ કે એક ચેન્નઈનો રહેવાસી છે અને એક ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર છે.
એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 144 રન હતો
મેચમાં એક સમયે ભારતનો સ્કોર 42.2 ઓવરમાં 6 વિકેટે 144 રન હતો. આ પછી અશ્વિન અને જાડેજાના સહારે ભારતે શાનદાર વાપસી કરી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હસન મહમૂદે પહેલા જ કલાકમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા.
યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે અડધી સદીની ભાગીદારી કરી હતી. જોકે હસન મહમૂદે ઋષભ પંતને લિટન દાસના હાથે કેચ આઉટ કરાવીને બાંગ્લાદેશની મેચમાં વાપસી કરી હતી. યશસ્વી જયસ્વાલે શિસ્તબદ્ધ બોલિંગ આક્રમણ સામે ધીરજપૂર્વક બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી. જ્યારે તે 56 રને હતો ત્યારે નાહિદ રાણાની ઓવરમાં આઉટ થયો હતો.
આ પણ વાંચો – ભારતીય ટીમનો ઘરઆંગણે 12 વર્ષ અને 51 મેચનો શાનદાર રેકોર્ડ
સ્પિનર મેહિદી હસન મિરાઝે કેએલ રાહુલનો શિકાર કર્યો હતો અને ભારત ફરી મુશ્કેલીમાં મુકાયું હતું. ત્યારે જ ભારતની સ્પિન જોડીએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. અશ્વિને શરૂઆતથી જ કેટલાક શાનદાર શોટ રમ્યા હતા.
ભારતે ઝડપી રન પણ બનાવ્યા
હસન મહમૂદ અને નાહિદ રાણાએ કેટલાક પડકારો ઉભા કર્યા પરંતુ સફળ થઈ શક્યા નહીં. ભારતે ઝડપી રન પણ બનાવ્યા હતા. ભારતે પહેલા દિવસે 4.23 પ્રતિ ઓવરની એવરેજથી રન બનાવ્યા છે. અંતિમ 32 ઓવરના સેશનમાં 5 કરતા વધારે રનરેટ છે.
બાંગ્લાદેશી બોલરોની વાત કરીએ તો પહેલા બે સેશનમાં 6 વિકેટ લીધા બાદ તેમણે છેલ્લા સેશનમાં 163 રન આપ્યા હતા. જેમાં કોઈ સફળતા મળી ન હતી. હવે મેચ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પીચ કેવું વર્તન કરે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. પહેલા દિવસે બાંગ્લાદેશનો ઓવર રેટ નબળો રહ્યો હતો.