Ind vs Ban 2nd Test : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ અભિષેક નાયરે કહ્યું કે બીજી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવશે કારણ કે કાનપુરની કંડીશન કંઇક અલગ છે. ભારતે ચેન્નાઇ ટેસ્ટ મેચમાં ત્રણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને ઉતાર્યા હતા.
કુલદીપના રમવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
કાનપુરની પીચ પર સ્પિનરોને મદદ મળતી હોય છે અને આ સ્થિતિમાં ભારત ફાસ્ટ બોલરને બેસાડીને કુલદીપ યાદવ કે અક્ષર પટેલને ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં નાયરને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં સ્થાનિક ખેલાડી કુલદીપ યાદવને રમાડવા પર વિચાર કરી રહી છે. આના જવાબમાં તેમણે કહ્યું કે પ્લેઇંગ ઇલેવન પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને અમે મેચના દિવસે તેના પર નિર્ણય કરીશું.
કંડીશન પ્રમાણે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવામાં આવશે
નાયરે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું અત્યારે તમને પ્લેઇંગ ઇલેવન કહી શકું તેમ નથી કારણ કે અત્યારે બધા ઉપલબ્ધ છે. હજી સુધી એ ખબર નથી કે આપણે કઈ સપાટી પર રમવા જઈ રહ્યા છીએ. ટીમનું સંયોજન નક્કી કરવામાં પરિસ્થિતિઓ એક મોટું પરિબળ બની રહેશે. અહીંના સંજોગો એટલા બધા બદલાઈ ગયા છે કે આપણે આવતીકાલે (27 સપ્ટેમ્બર) અહીં તડકો નીકળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો – જ્યારે ગર્લફ્રેન્ડે યુવરાજ સિંહને ગુલાબી રંગના ચંપલ પહેરીને ટીમ બસમાં જવા કહ્યું
કેવી રહેશે કાનપુરની પીચ
કાનપુરના પીચ ક્યુરેટરે કહ્યું કે, આ પીચ પર તમામ ક્રિકેટરો માટે કંઈક ને કંઈક હશે. તેમને આશા છે કે ફાસ્ટ બોલરોને દિવસના પ્રથમ બે સેશનમાં થોડો ફાયદો મળશે અને તે પણ માને છે કે બેટ્સમેનોને પ્રથમ બે દિવસ બેટીંગમાં સરળતા રહેશે. આ પછી સ્પિનરો આ પીચ પર પોતાનો કમાલ દેખાડશે.
ક્યુરેટર શિવ કુમારે કહ્યું કે કાનપુરને પણ ચેન્નાઈની મેચ જેવો અહેસાસ થશે. દરેક માટે કંઈક ને કંઈક હશે. પહેલા બે સેશનમાં ઉછાળ આવશે અને પહેલા બે દિવસ બેટિંગ માટે તે ખૂબ જ સારું રહેશે. આ પછી છેલ્લા 3 દિવસની પીચ સ્પિનરોને મદદ કરશે.





