ભારત વિ. બાંગ્લાદેશ બીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી અને સદીનો રેકોર્ડ બનાવ્યો

Fastest Team Fifty Record : ભારતીય ટીમે માત્ર 18 બોલમાં 50 રન બનાવી લીધા હતા. જે ટેસ્ટ ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી છે. યશસ્વી જયસ્વાલે 51 બોલમાં 12 ફોર 2 સિક્સર સાથે 72 રન ફટકાર્યા

Written by Ashish Goyal
September 30, 2024 14:52 IST
ભારત વિ. બાંગ્લાદેશ બીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી અને સદીનો રેકોર્ડ બનાવ્યો
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 3.5 ઓવરમાં 55 રનની ભાગીદારી નોંધાવી હતી (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

Fastest Team Fifty Record : ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે એવી આક્રમક બેટિંગ કરી કે ઈંગ્લેન્ડના બેઝંબોલ (આક્રમક અંદાજમાં બેટીંગ) તરીકે ઓળખાતા રેકોર્ડ પર પાણી ફરી વળ્યું હતું. રોહિત અને જયસ્વાલની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરતા ભારતીય ટીમ માટે ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી અને સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.

રોહિત શર્મા અને જયસ્વાલની આક્રમક બેટિંગ

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પહેલા જ બોલથી આક્રમણ શરૂ કર્યું હતું. જયસ્વાલે પ્રથમ ઓવરમાં જ ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. રોહિત શર્માએ પછીની ઓવરમાં એક પછી એક બે સિક્સર ફટકારી હતી. ત્રીજી ઓવરમાં ટીમને ખાતામાં 22 રન મળ્યા હતા. આ સાથે ટીમ ઇન્ડિયાનો સ્કોર 50 પર પહોંચી ગયો હતો.

ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ અડધી સદીનો રેકોર્ડ ભારતના નામે

ભારતીય ટીમે માત્ર 18 બોલમાં 50 રન બનાવી લીધા હતા. જે ટેસ્ટ ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી છે. આ રેકોર્ડ પહેલા ઇંગ્લેન્ડના નામે હતો. ઇંગ્લેન્ડે આ રેકોર્ડ જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બનાવ્યો હતો. ઓલી પોપ અને બેન ડકેટે ટીમનો સ્કોર 4.2 ઓવરમાં 50 સુધી પહોંચાડી દીધો હતો. બંનેએ મળીને 10 ચોગ્ગા ફટકારીને 50 રન બનાવ્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડે 1994માં દક્ષિણ આફ્રિકા સામે 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે ભારતીય ટીમે 18 બોલમાં અડધી સદી ફટકારીને ઇંગ્લેન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ પણ વાંચો – ભારતમાં 9 વર્ષ પછી ટેસ્ટનો આખો દિવસ ધોવાયો, જાણો શું આવ્યું હતું તે મેચનું પરિણામ

ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ ભારતના નામે

ભારતીય ટીમે ફાસ્ટેસ્ટ અડધી સદી સિવાય ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમે 10.2 ઓવરમાં 100 રન ફટકારી દીધા હતા. આ પહેલા આ રેકોર્ડ ભારતના નામે જ હતો. ભારતે 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે 12.2 ઓવરમાં 100 રન ફટકાર્યા હતા.

સિક્સરના મામલે પણ ઈંગ્લેન્ડને પાછળ રાખ્યું

ટીમ ઇન્ડિયા હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની ગઇ છે. ભારતીયોએ આ વર્ષે અત્યાર સુધીમાં 91 સિક્સર ફટકારી છે. ભારતે અહીં પણ ઇંગ્લેન્ડને પાછળ રાખ્યું છે. આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો, જેણે 2022માં 89 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડે 2022માં ભારતનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2021માં ભારતીય ખેલાડીઓએ એક કેલેન્ડર વર્ષમાં 87 સિક્સર ફટકારી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ