IND vs BAN Chennai Test : ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચેન્નાઇમાં રમાનારી બે મેચોની ટેસ્ટ સીરીઝની સાથે આગામી સિઝનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ઘણો સમય મેદાનથી દૂર રહ્યા પછી હવે ભારતીય ટીમનો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. તેઓ આગામી 4 મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે. 5 ટેસ્ટ ઘરઆંગણે રમશે. જેમાં બાંગ્લાદેશ સામે 2 અને ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ રમવાની છે.
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ભારતીય ટીમે શુક્રવારે (14 સપ્ટેમ્બર) બાંગ્લાદેશ સામે ટેસ્ટ માટે પ્રથમ વખત નેટ પ્રેક્ટિસ કરી હતી. ટ્રેનિંગ સેશન સવારે 9.30 વાગ્યે શરૂ થયું હતું અને બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. આખી ટીમ મેદાન પર હાજર હતી. સ્પિન બોલિંગ હાલના સમયમાં ભારતીય બેટ્સમેનો માટે ચિંતાનો વિષય બની છે. ચેન્નાઈમાં પ્રથમ દિવસે સ્પિનરો સામે નેટ્સમાં બેટ્સમેનોએ ભારે પરસેવો પાડયો. જોકે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલરો માટે પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે. લાલ માટીની પીચનો ઉપયોગ કરી શકાય છે.
સ્પિન સામે ભારતીય બેટ્સમેનોની ખાસ તૈયારી
ભારતે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડના આક્રમણને ધ્યાનમાં રાખીને તેના નેટ બોલરોની પસંદગી કરી છે. બાંગ્લાદેશના બે ડાબોડી સ્પિનરો શાકિબ અલ હસન, તાઇજુલ ઇસ્લામ અને ન્યૂઝીલેન્ડ પાસે એજાજ પટેલ, મિચેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર છે, જે વિવિધ પડકારો રજૂ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ઉપરાંત તામિલનાડુના એસ અજીત રામ, એમ સિદ્ધાર્થ અને પી વિગ્નેશ (તમામ સ્લો લેફ્ટ ઓર્થોડોક્સ) ઉપલબ્ધ છે. ઓફ સ્પિનરોએ ઘણા પરેશાન કર્યા હતા. આવી સ્થિતિમાં બેટ્સમેનોનો સામનો આર.અશ્વિન ઉપરાંત તમિલનાડુના લક્ષ્ય જૈન અને મુંબઈના અશ્વિનના ક્લોન હિમાંશુ સિંહનો સામનો કર્યો હતો.
સ્વીપ અને રિવર્સ-સ્વીપની પ્રેક્ટિસ
સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનોની યોજના મોટે ભાગે પગનો ઉપયોગ કરવા અને સ્વીપિંગ અને રિવર્સ સ્વીપિંગ પર કેન્દ્રિત હતી. ઓફ સ્ટમ્પની બહાર રફ પર પડતા બોલ પર બેટસમેનો વારંવાર પરંપરાગત અને પેડલ સ્વીપનો ઉપયોગ કરતા હતા. જ્યારે બોલ સ્ટમ્પની લાઇન પર આવે છે ત્યારે રિવર્સ-સ્વીપ કરે છે. સવારનું સત્ર બપોરે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. રોહિત શર્મા ઉપરાંત યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પ્રેક્ટિસ કરી હતી.
આ પણ વાંચો – બાંગ્લાદેશ સામે અજેય છે ભારતીય ટીમ, જોકે આ 4 કારણોને લીધે હળવાશથી લેવી ભારે પડશે
40 મિનિટના બ્રેક બાદ શરૂ થયેલા બપોરના સેશનમાં કેએલ રાહુલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, આકાશદીપ અને યશ દયાલે જોરદાર મહેનત કરી હતી. સવારના સેશનની જેમ જ દરેક બેટસમેન અને બોલરે લાંબા ફોર્મેટને અનુકૂળ થવા માટે વચ્ચે-વચ્ચે લાંબા સેશન ગાળ્યા હતા. ચાલુ વર્ષના પ્રારંભે ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ ભારત મુખ્યત્વે માત્ર ટી-20 મેચો જ રમ્યું છે.
લાલ માટીથી બનેલી પીચનો ઉપયોગ કરી શકાય છે
બાંગ્લાદેશને તેના જ હોમગ્રાઉન્ડ પર કાળી માટીની પીચો પર રમવાની આદત હોય છે, જે સામાન્ય રીતે ધીમી હોય છે, જેના કારણે ભારત લાલ માટીની બનેલી પીચ પર પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે. જોકે ટેસ્ટને આડે હજુ પાંચ દિવસ બાકી છે, ત્યારે પીચ પર સારુ ઘાસ હતું, જેને ગ્રાઉન્ડમેને સવારે 11.30 વાગ્યે કવર કરી લીધું હતુ, જેથી તે તૂટી ન જાય.
2019માં ભારતે ફાસ્ટ બોલરોને મદદ કરતી પીચ પસંદ કરી હતી
2019માં ઈન્દોર અને કોલકાતામાં સીમર-ફ્રેન્ડલી પરિસ્થિતિમાં ભારતના સ્પિનરોએ બાંગ્લાદેશની 40 માંથી માત્ર પાંચ વિકેટ લીધી હતી. આ વખતે પણ આવી જ રણનીતિ અપનાવે તો નવાઈ પામવા જેવું નથી. તે સમયે ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક હોવાના કારણે ભારતે ફાસ્ટ બોલરોને મદદગાર પીચ પર પસંદગી ઉતારી હતી.