Ravindra Jadeja Cricket Records : રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2023 ના સુપર ફોર સ્ટેજમાં પાકિસ્તાન સામેની મેચમાં ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. હવે 15 સપ્ટેમ્બર 2023ના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં જાડેજાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. રવિન્દ્ર જાડેજાએ 35મી ઓવરના પહેલા બોલ પર બાંગ્લાદેશના શમીમ હુસેનને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાની વનડે ક્રિકેટમાં આ 200મી વિકેટ હતી.
રવીન્દ્ર જાડેજા 200 વિકેટ લેનાર 7મો ભારતીય ક્રિકેટર
રવીન્દ્ર જાડેજા 200 કે તેથી વધુ ODI વિકેટ લેનાર 7મો ભારતીય ક્રિકેટર બન્યો છે. એટલું જ નહીં, જાડેજા દિગ્ગજ કપિલ દેવની ક્લબમાં પણ જોડાઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા કપિલ દેવ પછી વન-ડે ઈન્ટરનેશનલમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય બન્યા.
કપિલ દેવે 225 વનડે ક્રિકેટ મેચમાં 23.79ની એવરેજથી 3783 રન બનાવ્યા હતા. ઉપરાંત 253 વિકેટ ઝડપી હતી. તેમણે એક ઇનિંગ્સમાં 5 વિકેટ પણ ઝડપી લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 182 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 32.22ની એવરેજથી 2578 રન બનાવ્યા છે. તેમણે એક મેચમાં 5 વિકેટ પણ લીધી છે.
રવિન્દ્ર જાડેજા પહેલા આ રેકોર્ડ ક્યા-ક્યા ભારતીય ક્રિકેટરે બનાવ્યો
રવિન્દ્ર જાડેજા ની પહેલા અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, અજિત અગરકર, ઝહીર ખાન, હરભજન સિંહ અને કપિલ દેવે ODI ક્રિકેટમાં ભારત માટે 200 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં અનિલ કુંબલે નંબર-1 ક્રમે છે, તેમણે ODIમાં 337 વિકેટ લીધી છે.
તો આ યાદીમાં જવાગલ શ્રીનાથ ODIમાં 315 વિકેટ સાથે બીજા સ્થાને છે. અજીત અગરકરે પોતાની કારકિર્દીમાં 288 ODI વિકેટ લીધી હતી. ઝહીર ખાનના નામે 282 ODI વિકેટ છે. હરભજન સિંહે ODIમાં 269 અને કપિલ દેવે 253 વનડે વિકેટ ઝડપી છે.