Ind vs Ban Test : ભારતીય ક્રિકેટ ટીમ એક મહિનાથી વધુ સમયથી બ્રેક પર છે. ટીમ ઇન્ડિયા હવે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ વર્ષની શરુઆતમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ તે કોઈ ટેસ્ટ મેચ રમ્યું નથી. તેને રેડ-બોલ ક્રિકેટ રમ્યાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીરને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાન પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી વખત પાકિસ્તાનને ટેસ્ટમાં તો હરાવ્યું જ સાથે સાથે વ્હાઇટવોશ પણ કર્યો હતો.
ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે અજેય છે, પણ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નઝમુલ હસન શાંતોની ટીમને હળવાશથી નહીં લે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ આ સંજોગોમાં બાંગ્લાદેશની ટીમ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આના 4 કારણો
ભારત-બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી
ભારત-બાંગ્લાદેશ વચ્ચે છેલ્લે ટેસ્ટ મેચ 2022ના અંતમાં ટેસ્ટ રમાઈ હતી. ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી હતી, પરંતુ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે તેને જોરદાર લડત આપી હતી. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ સરળતાથી જીતી લીધી હતી. તેણે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 3 વિકેટથી જીત મેળવી હતી. 145ના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને ઋષભ પંત ડબલ આંકને સ્પર્શી શક્યા ન હતા. સાત વિકેટ સ્પિનરોએ લીધી હતી.
સ્પિન ભારતીય ટીમની નબળાઈ
ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસમાં શોએબ બશીર, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને રેહાન અહમદ સાથે આવી હતી. તમામ ટોપ 10 વિકેટ ઝડપનારાઓમાં સામેલ હતા. આ સિવાય જો રૂટ પણ એક વિકલ્પ હતો. હાર્ટલી અને બશીરે આ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. તેને ભારતની પરિસ્થિતિનો ખ્યાલ ન હતો. એટલું જ નહીં ભારતીય ટીમે પણ રણનીતિમાં ફેરફાર કર્યો હતો.
આ પણ વાંચો – ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી : પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોનો કરાયો સમાવેશ
ભૂતકાળમાં ટીમ પોતાની ધરતી પર ટર્નિંગ વિકેટ પર મેચ રમતી હતી. પ્રથમ સત્રથી જ આ વળાંક જોવા મળતો હતો. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આ બાબત જોવા મળી ન હતી. બાંગ્લાદેશ પાસે ઈંગ્લેન્ડ કરતાં પણ વધુ સારા સ્પિનરો છે. આ પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. તેમની પાસે મેહેંદી હસન મિરાઝ અને શાકિબ અલ હસન જેવા સારા સ્પિનરો છે.
બાંગ્લાદેશે પાકિસ્તાનનો વ્હાઇટવોશ કર્યો
ભારતીય ટીમની સરખામણી પાકિસ્તાનની ટીમ સાથે ન કરી શકાય. બાંગ્લાદેશે તેનો વ્હાઇટવોશ કર્યો એનો અર્થ એ નથી કે ભારતનો પણ વ્હાઇટવોશ કરશે, પરંતુ આ શ્રેણીમાં કેટલીક નોંધપાત્ર બાબતો હતી. બાંગ્લાદેશની ટીમમાં બેટિંગ લાઇનઅપ મજબૂત છે. લિટ્ટન દાસ નંબર 7 પર બેટિંગ કરવા આવે છે. મેહેંદી હસન મિરાઝ પણ બેટિંગ કરી શકે છે. બંનેએ બીજી ટેસ્ટમાં ટીમને 26/6ના સ્કોરેથી 165 રનની ભાગીદારી કરી હતી.
6 મહિના પછી ટેસ્ટ મેચ
ભારતીય ટીમ માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પછી રેડ બોલ ક્રિકેટ રમી શકી નથી. વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને ટેસ્ટ રમ્યાને લાંબો સમય થઈ ગયો છે. ઋષભ પંત 20 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે. અકસ્માત પહેલા ટેસ્ટમાં તે ભારતીય ટીમનો સૌથી મોટો મેચ વિનર રહ્યો છે. દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાં શુભમન ગિલ, ઋષભ પંત અને કેએલ રાહુલ રમતા જોવા મળ્યા હતા. ગિલ કંઈ ખાસ કરી શક્યો નહીં. પંત અને રાહુલે બીજી ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે ટીમને લયમાં આવવામાં સમય લાગી શકે છે.