IND vs ENG 2nd Test : ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીને શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પહેલા ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે ભારતને ટર્નિંગ પિચ બનાવવા માટે લલકાર્યા છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 3 સ્પિનર અને 1 ફાસ્ટ બોલર સાથે ઉતર્યું હતું. નવોદિત ટોમ હાર્ટલીએ તેની શાનદાર બોલિંગના દમ પર મેચનું પાસુ પલટી નાખ્યું હતું. આવી સ્થિતિમાં મેક્કુલમે કહ્યું કે જો વિશાખાપટ્ટનમની પિચ સ્પિનરો માટે વધુ મદદગાર સાબિત થશે તો ઈંગ્લેન્ડ 4 સ્પિનરોને રમાડવામાં પણ અચકાશે નહીં.
જો ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં 4 સ્પિનર સાથે ઉતરશે તો જેક લીચ, રેહાન અહમદ અને ટોમ હાર્ટલી સિવાય શોએબ બશીરને પ્લેઈંગ 11માં તક મળશે. વિઝાની સમસ્યાને કારણે બશીર ભારત લેટ પહોંચ્યો હતો. દુબઈથી બ્રિટન પરત ફરવાના કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. વિઝા મળતાં જ તે ભારત આવ્યો હતો અને હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાયો હતો.
આ પણ વાંચો – રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર, સરફરાઝ ખાનનો સમાવેશ
મેક્કુલમે શું કહ્યું?
મેક્કુલમે સેંજ રેડિયો પર બશીરને લઇને કહ્યું કે તે અબુધાબીના કેમ્પમાં અમારી સાથે હતો અને તેણે તેની કુશળતાથી ખરેખર પ્રભાવિત કર્યા હતા. તે ટીમમાં ફિટ બેસે છે. ટોમ હાર્ટલીની જેમ તેની પાસે પણ ખૂબ જ ઓછો પ્રથમ શ્રેણીનો ઓછો અનુભવ છે પરંતુ અમને લાગ્યું કે તેની કુશળતા અહીં કામમાં આવી શકે છે. તે યોગ્ય સમયે આવ્યો. લોકોએ તેનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો અને તે ટેસ્ટ જીતનો સાક્ષી બન્યો હતો. તે આગામી ટેસ્ટ મેચ માટે લાઇનમાં છે. જો વિકેટ વધુ ટર્ન લેતી હશે તો અમે તમામ સ્પિનરોને રમાડવામાં પાછા પડીશું નહીં.
શું ભારતીય ટીમ રેન્ક ટર્નર બનવાનું જોખમ ઉઠાવશે?
પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ વિશાખાપટ્ટનમની વિકેટ પર બધાની નજર રહેશે. શું આ વિકેટ પણ હૈદરાબાદની જેમ ધીમી અને લો હશે કે પછી રેન્ક ટર્નર જોવા મળશે? ભારતીય બેટિંગ ટીમમાં નબળી છે. વિરાટ કોહલી બાદ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. આવામાં ભાગ્યે જ રેન્ક ટર્નર જોવા મળી શકે છે.





