IND vs ENG 3rd Test : ઈંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને 2-1થી સરસાઈ મેળવી લીધી છે. લોર્ડ્ઝ ટેસ્ટમાં ભારતીય ટીમ 193 રનના ટાર્ગેટને હાંસલ કરી શકી ન હતી. આ મેચ ઘણી રોમાંચક રહી હતી. ચોથા દિવસ સુધી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે કોણ જીતશે. જોકે ભારતે 58 રનમાં 4 વિકેટ ગુમાવી દેતા ઈંગ્લેન્ડનું પલડું ભારે થઇ ગયું હતું.
કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા બેટ્સમેનો બાકી સાથે ભારત પણ મેચમાં હતું, પરંતુ 5માં દિવસે પ્રથમ સેશનમાં 4 વિકેટ પડી જતાં આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ પછી રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે લડાયક બેટિંગ કરી હતી. જોકે અંતે ભારતનો 22 રને પરાજય થયો હતો.
ભારતની હારના 5 કારણો
પ્રથમ દાવમાં લીડ ન મેળવી શક્યું
ભારત ભલે 5માં દિવસે મેચ હારી ગયું હોય પરંતુ તે મેચમાં ત્યારે જ પાછળ રહ્યું ગયું હતું જ્યારે તેઓ પ્રથમ ઈનિંગમાં લીડ લઈ શક્યા ન હતા. લોર્ડ્ઝની પીચ આસાન ન હતી. આવી સ્થિતિમાં ચોથી ઈનિંગમાં કોઈ પણ ટીમ માટે ટાર્ગેટ આસાન હોતો નથી. જો ભારતે પ્રથમ ઈનિંગમાં 25-30 રનની સરસાઈ મેળવી લીધી હોત તો તેનાથી મોટો ફરક પડ્યો હોત. ભારત લીડ લેવાની સ્થિતિમાં હતું. જોકે ભારતે પ્રથમ દાવમાં 11 રનમાં છેલ્લી 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ઋષભ પંતનું રન આઉટ થવું
પ્રથમ ઈનિંગમાં ઋષભ પંત અને કેએલ રાહુલ વચ્ચે 141 રનની ભાગીદારી થઈ હતી. ત્રીજા દિવસે લંચ પહેલા જ કેએલ રાહુલની સદી પૂરી કરવાની પ્રક્રિયામાં આ ભાગીદારી તૂટી ગઈ હતી. સારી બેટિંગ કરી રહેલો પંત રન આઉટ થયો હતો. બેન સ્ટોક્સે બેસ્ટ થ્રો ફટકાર્યો હતો. પંતે 74 રન બનાવ્યા હતા. જો તેણે થોડી વધારે બેટિંગ કરી હોત તો ભારત નિશ્ચિત રીતે પ્રથમ દાવમાં લીડ મેળવવામાં સફળ રહ્યું હોત.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડે ટેસ્ટ જીતી, રવિન્દ્ર જાડેજાએ દિલ જીત્યા
જેમી સ્મિથનો કેચ છોડવો ભારે પડ્યો
ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન જેમી સ્મિથે પ્રથમ ઈનિંગમાં 51 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે મોહમ્મદ સિરાજની ઓવરમાં સ્લિપમાં તેનો કેચ છોડ્યો હતો. ત્યારે સ્મિથ 1 રન પર હતો. આ પછી તેણે 50 રન જોડયા હતા. જ્યારે તે આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 355 રન પર પહોંચી ગયો હતો. આ ટેસ્ટમાં ભારતની ફિલ્ડિંગ સાધારણ રહી હતી અને આ સિવાય પણ ઘણા કેચ ડ્રોપ કર્યા હતા.
ભારતીય ટીમે 63 રન એકસ્ટ્રા આપ્યા
ભારતીય ટીમે 63 રન એકસ્ટ્રા આપ્યા હતા. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 31 રન એકસ્ટ્રા મળ્યા હતા. તેમાં 11 બાય, 12 લેગ બાય, 5 વાઇડ અને 2 નો-બોલ હતા. ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 32 રન એકસ્ટ્રા મળ્યા હતા. જેમાં 25 બાય, 6 લેગ બાય 6 અને 1 નો-બોલ સામેલ હતો.
કરુણ નાયરનું સતત ખરાબ પ્રદર્શન
આઠ વર્ષ પછી ટીમમાં પરત ફરેલો કરુણ નાયર ટીમને ભારે પડી રહ્યો હતો. જ્યારે ટીમની જરુર હતી ત્યારે તે રમી શક્યો નથી. કરુણ નાયરે પ્રથમ ઇનિંગ્સમાં 40 અને બીજી ઇનિંગ્સમાં 14 રન બનાવ્યા હતા. ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં તે એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી.