IND vs ENG : ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારને 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થશે. જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટ રમ્યો ન હતો. જોકે હવે સ્વસ્થ થયા બાદ જાડેજા પુનરાગમન માટે તૈયાર છે. તેણે નેટમાં પ્રેક્ટિસ કરી હતી અને એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા પણ આવ્યો હતો.
જડ્ડુએ પિચ વિશે ખુલાસો કર્યો
રવિન્દ્ર જાડેજાએ આ સમય દરમિયાન રાજકોટની પિચ અંગે જણાવ્યું હતું કે અહીં સ્પિનરોને જલ્દી મદદ નહીં મળે. પિચની તિરાડો ખૂલતાં સમય લાગશે એટલે આ પિચ પર સ્પિનરોને વધુ મદદ મળી શકશે નહીં. અહીંની વિકેટ સપાટ અને સખત છે પરંતુ તે તેના પર નિર્ભર છે કે તેમણે શું તૈયારી કરી છે. કેટલીકવાર તમને ત્રણ દિવસમાં 37 વિકેટ પડતી જોવા મળે છે.
પિચના અલગ-અલગ રૂપ જોવા મળે છે – જાડેજા
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં પિચના અલગ-અલગ રૂપ જોવા મળે છે. ક્યારેક પિચ સપાટ રહે છે તો ક્યારેક ટર્નિંગ ટ્રેક બની જાય છે. હું માનુ છું કે પહેલા દિવસે જ અહી ફાસ્ટ બોલરોને મદદ મળશે, પણ ધીરે ધીરે જ્યારે પિચમાં તિરાડ પડવા લાગશે તો તેનાથી સ્પિનરોને પણ મદદ મળશે. રાજકોટમાં અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટમાં ટીમોએ 3.55ના દરે સ્કોર કર્યો છે. ચોથી ઈનિંગ્સમાં પણ રનરેટ 3.27 છે, જે દર્શાવે છે કે અહી બોલરોને વિકેટ માટે સંઘર્ષ કરવો પડે છે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાને રાજકોટમાં કાઠિયાવાડી ભોજન મળશે, નાસ્તામાં જલેબી અને ફાફડા પીરસાશે
રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડને મુશ્કેલ ટીમ માનવાનો ઇનકાર કર્યો
રવિન્દ્ર જાડેજાએ આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડને સૌથી મુશ્કેલ ટીમોમાંથી એક માનવાનો ઇનકાર કર્યો હતો. જાડેજાએ કહ્યું કે હું ઇંગ્લેન્ડને સૌથી મુશ્કેલ ટીમોમાંથી એક કહીશ નહીં કારણ કે બધી ટીમો માટે ભારતમાં આવવું અને રમવું સરળ નથી. જો અમે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં કેટલીક ભૂલો ન કરી હોત તો અમે મેચ હાર્યા ન હોત અને આવી સ્થિતિમાં અમને 2-0થી સરસાઈ મળી જાત.