IND vs ENG : ભારતીય સ્પિનર આર અશ્વિન (5 વિકેટ)અને કુલદીપ યાદવની (4 વિકેટ)ઘાતક બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજા દિવસના અંતે ભારતે 8 ઓવરમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. ભારત જીતથી 152 રન દૂર છે અને તેની 10 વિકેટો જમા છે. દિવસના અંતે રોહિત શર્મા 24 અને યશસ્વી જયસ્વાલ 16 રને રમતમાં છે.
ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ઇનિંગ્સમાં 46 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલીએ સૌથી વધારે 60 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 30 રન બનાવ્યા હતા.
અશ્વિન અને કુલદીપે મળીને બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના 9 બેટ્સમેનને આઉટ કર્યા હતા. જેમાં અશ્વિનની 5 વિકેટ જ્યારે કુલદીપની 4 વિકેટ સામેલ છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી. એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી.
આ પણ વાંચો – આકાશ ચોપડા ઇચ્છે છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની હૂટિંગ થાય, જાણો કારણ
અશ્વિન અને કુલદીપની ઘાતક બોલિંગ
અશ્વિન અને કુલદીપ યાદવે રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં ઘાતક બોલિંગ કરી હતી. અશ્વિને આ ઇનિંગ્સમાં 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવે 15 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં 20 ઓવરમાં 56 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આમ બીજી ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોને મળી હતી. ફાસ્ટ બોલરોને એક પણ વિકેટ મળી શકી ન હતી.
અશ્વિને અનિલ કુંબલેની બરાબરી કરી
આર.અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 35મી વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે અને આ સાથે જ તેણે અનિલ કુંબલેની બરોબરી કરી છે. કુંબલેએ 132 ટેસ્ટમાં 35 વખત પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 99 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર મુથૈયા મુરલીધરન છે, જેણે 133 ટેસ્ટમાં 67 વખત આ સિદ્ધિ મેળવી છે.
ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર
- 67- મુથૈયા મુરલીધરન (133 ટેસ્ટ)
- 37- શેન વોર્ન (145 ટેસ્ટ)
- 36 – રિચર્ડ હેડલી (86 ટેસ્ટ)
- 35 – આર અશ્વિન (99 ટેસ્ટ)
- 35 – અનિલ કુંબલે (132 ટેસ્ટ)





