Joe Root Record : માન્ચેસ્ટરમાં ભારત સામેની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 38મી સદી ફટકારી ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાની બરાબરી કરી લીધી છે. હવે તે સદી ફટકારવાના મામલે માત્ર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, જેક કાલિસ અને રિકી પોન્ટિંગથી પાછળ છે.
સચિન તેંડુલકરના નામે 51 સદી
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીની વાત કરીએ તો સચિન તેંડુલકરના નામે 51, જેક કાલિસના નામે 45 અને રિકી પોન્ટિંગના નામે 41 સદી છે. સંગાકારા અને રુટના નામે 38-38 સદી છે.
રુટે પોન્ટિંગને પાછળ રાખ્યો
જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પ્લેયર રિકી પોન્ટિંગને પાછળ રાખ્યો છે. રુટે 157 ટેસ્ટમાં 13400 રન બનાવી લીધા છે. રિકી પોન્ટિંગના નામે 68 ટેસ્ટમાં 13378 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે 200 ટેસ્ટમાં 15921 રન છે.
આ પણ વાંચો – ઋષભ પંત ઇજા છતા ટીમ માટે મેદાનમાં ઉતર્યો, સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો
રુટની ઇંગ્લેન્ડમાં 23મી સદી
આ શ્રેણીમાં રુટની આ બીજી સદી છે. આ પહેલા તેણે લોર્ડ્સમાં સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 104 રન બનાવ્યા હતા. રુટની ભારત સામે આ 12મી સદી છે જ્યારે ઇંગ્લેન્ડમાં આ તેની 23મી સદી છે.
જો રૂટે 178 બોલમાં 12 ફોરની મદદથી સદી પૂરી કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટની વાત કરીએ તો રુટ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અગાઉ ભારતના ત્રણ બેટ્સમેનો સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત અડધી સદીને મોટી ઈનિંગમાં ફેરવી શક્યા ન હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ, ઝેક ક્રાઉલી અને ઓલી પોપ પણ સદી ચૂકી ગયા હતા.