IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ શુક્રવારને 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. પ્રથમ મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ લયમાં હોય તેમ લાગતું નથી. બેઝબોલનો દમ ભરનાર કેપ્ટન બેન સ્ટોક્સ પણ શાંત જોવા મળી રહ્યો છે. હવે સ્ટોક્સનો શાનદાર કેપ્ટન્સી રેકોર્ડ ખતરામાં છે. બીજી તરફ ભારતીય ટીમ પાસે હેટ્રિક નોંધાવવાની તક છે.
બેન સ્ટોક્સની કેપ્ટનશિપનો શાનદાર રેકોર્ડ
બેન સ્ટોક્સની કેપ્ટનશિપમાં ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનો રેકોર્ડ શાનદાર છે. સ્ટોક્સે 8 જુલાઈ 2020ના રોજ ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જે પછી સ્ટોક્સની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમ કોઈ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે રમેલી આઠ શ્રેણીમાંથી પાંચમાં વિજય મેળવ્યો હતો અને ત્રણ ડ્રો રહી હતી. જોકે સ્ટોક્સની ટીમ ભારત સામેની શ્રેણી ગુમાવવાના આરે પહોંચી ગઈ છે. જો ઈંગ્લેન્ડ રાંચીમાં નહીં જીતે તો તેઓ શ્રેણી હારી જશે.
આ પણ વાંચો – તાન્યા સિંહ આત્મહત્યા કેસ : ઉભરતી મોડલ, IPL ક્રિકેટરથી દોસ્તી, આખરી કોલ અને પ્રાઇવેટ તસવીર
સ્ટોક્સનો 100 ટકા રેકોર્ડ
સ્ટોક્સની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ શ્રેણી રમી હતી. આ શ્રેણી ઇંગ્લેન્ડે 2-1થી જીતી હતી. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામે 3-0થી વિજય મેળવવામાં સફળ રહ્યો હતો. ભારત સામે તે શ્રેણીને ડ્રો કરવામાં સફળ રહ્યો હતો. આ પછી પોતાના ઘરમાં દક્ષિણ આફ્રિકાને 3-2થી પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડે તેના ઘરઆંગણે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. તે જ સમયે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-2થી બરાબરી કરી હતી. તેણે આયર્લેન્ડ સામેની શ્રેણી 1-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણી પણ ડ્રો રહી હતી.
રાંચીમાં ભારતની નજર હેટ્રિક પર
રાંચીમાં ભારતીય ટીમની નજર હેટ્રિક પર રહેશે. ભારત એક નહીં પણ બે હેટ્રિક નોંધાવશે. ભારત શ્રેણીની આખરી બે મેચ જીતીને હેટ્રિકના આરે પહોંચી ગયું છે. રાંચીમાં જીતની સાથે જ તે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે સતત ત્રીજી ટેસ્ટ જીતીને હેટ્રિક પણ બનાવશે. ભારતે 2016માં ઇંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. 2021માં 3-1થી હરાવ્યું હતું. હાલમાં ભારત પાસે 2-1ની લીડ છે અને શ્રેણી જીતવાથી માત્ર એક જીત દૂર છે.