IND vs ENG : ક્રિકેટમાં ભારત અને ઈંગ્લેન્ડ હરિફાઇ 92 વર્ષથી ચાલી રહી છે. ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ મેચ 1932માં રમી હતી. તે ઇંગ્લેન્ડ સામેની મેચ હતી. 92 વર્ષના ઈતિહાસમાં રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. તેણે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય તે ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ ઝડપનારો અને 1000 રન ફટકારનારો ભારતનો સૌપ્રથમ અને વિશ્વનો ચોથો ક્રિકેટર બની ગયો છે.
અશ્વિને આ સિદ્ધિ ત્યારે મેળવી જ્યારે તેણે રાંચીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં જોની બેયરસ્ટોની વિકેટ લીધી હતી. આ એક મહત્વપૂર્ણ વિકેટ હતી. બેયરસ્ટો અને જો રૂટે 52 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને શરૂઆતના ઝટકામાંથી ઉગાર્યું હતું. અગાઉ નવોદિત ફાસ્ટ બોલર આકાશ દિપે ત્રણ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને વેરવિખેર કર્યો હતો.
ગેરી સોબર્સની ક્લબમાં પ્રવેશ
અશ્વિન રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવા આવ્યો હતો અને સ્વીપ ચૂકી ગયા બાદ બોલ જોની બેરસ્ટોના પેડ સાથે અથડાયો હતો. મેદાન પરના અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ રોહિત શર્માએ રિવ્યૂ કર્યો હતો અને ભારતને મોટી સફળતા મળી હતી. અશ્વિને બેયરસ્ટોને 38 રને આઉટ કર્યો હતો. આ સાથે અશ્વિને વિન્ડિઝના લેજન્ડરી ક્રિકેટર ગેરી સોબર્સની કલબમાં પ્રવેશ મેળવી લીધો છે.
આ પણ વાંચો – બેન સ્ટોક્સ કેપ્ટન તરીકે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી હારશે? રાંચીમાં ટીમ ઈન્ડિયાની નજર હેટ્રિક પર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા ક્રમે
ગેરી સોબર્સે ઈંગ્લેન્ડ સામે 102 વિકેટ ઝડપવાની સાથે 3214 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાના મોન્ટી નોબેલના નામે 115 વિકેટ અને 1905 રન છે. ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ ગિફિને 103 વિકેટ ઝડપી છે અને 1238 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિનના નામે 100 વિકેટ અને 1085 રન છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં વિકેટના મામલે માત્ર જેમ્સ એન્ડરસન રવિચંદ્રન અશ્વિનથી આગળ છે. તેણે 145 વિકેટ ઝડપી છે.