India’s Test Record at Old Trafford, Manchester : ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. ભારત-ઈંગ્લેન્ડની લોર્ડ્ઝ ટેસ્ટ ઘણી રોમાંચક રહી હતી. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. અહીં ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ છે. ભારતીય ટીમ 1936માં પ્રથમ ટેસ્ટ રમી હતી.
ભારતીય ટીમ અહીં 89 વર્ષથી જીતની રાહ જોઈ રહી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમમાંથી માત્ર 1 ખેલાડીને જ અહીં રમવાનો અનુભવ છે. તે ખેલાડીનું નામ રવિન્દ્ર જાડેજા છે. જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને પણ અહીં રમવાનો અનુભવ નથી.
ભારતીય ટીમ અહીં એક 4માંથી 2 મેચ ઇનિંગ્સથી હારી ચૂકી છે. બે મેચ 100થી વધુ રનથી હારી છે. ભારત છેલ્લે 2014માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં અહીં રમ્યું હતું. ત્યારે હાલની ભારતીય ટીમના ઘણા ખેલાડીએ ડેબ્યૂ પણ કર્યું ન હતું.
માન્ચેસ્ટરમાં 8 ભારતીયોએ ફટકારી સદી
8 ભારતીય બેટ્સમેનોએ માન્ચેસ્ટરમાં સદી ફટકારી છે. વિજય મર્ચન્ટ અને સૈયદ મુસ્તાક અલીએ 1936માં સદી ફટકારી હતી. અબ્બાસ અલી બેગ અને પાલી ઉમીરગરે 1959માં સદી ફટકારી હતી. સુનીલ ગાવસ્કરે 1974માં સદી ફટકારી હતી. સંદીપ પાટિલે 1984માં સદી ફટકારી હતી. મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકરે 1990માં સદી ફટકારી હતી. માન્ચેસ્ટરમાં ભારત તરફથી અંતિમ સદી 1990માં જોવા મળી હતી. આ પછી કોઇ ભારતીય પ્લેયર આ મેદાનમાં સદી ફટકારી શક્યો નથી.
આ પણ વાંચો – ગંભીર-ગિલની સૌથી મોટી મૂંઝવણ, કરુણ નાયર કે સાઇ સુદર્શનમાંથી ચોથી ટેસ્ટમાં કોને તક આપવી?
માન્ચેસ્ટરમાં ભારતનું પ્રદર્શન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં કુલ 9 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં 5 મેચ ડ્રો થઇ છે અને 4 મેચમાં ભારતનો પરાજય થયો છે. ટીમ ઇન્ડિયા એકપણ મેચ જીતી શક્યું નથી. 1936, 1946, 1971, 1982 અને 1990માં રમાયેલી મેચો ડ્રો થઈ હતી. 1952માં એક ઈનિંગ અને 207 રનથી પરાજય થયો હતો. 1959માં 171 રનથી પરાજય થયો હતો. 1974માં 113 રનથી હાર મળી હતી. 2014માં એક ઈનિંગ અને 54 રનથી પરાજય થયો હતો.
માન્ચેસ્ટરમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ
ભારત તરફથી માન્ચેસ્ટરમાં વિનુ માંકડ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે 2 મેચની 3 ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. આબિદ અલી અને લાલા અમરનાથે 8-8 વિકેટ ઝડપી હતી. દિલીપ દોશી અને સુભાષ ગુપ્તેએ 6-6 વિકેટ ઝડપી હતી. બિસન સિંહ બેદી, નરેન્દ્ર હિરવાણી, મદન લાલ અને સુરેન્દ્રનાથના નામે 5-5 વિકેટ છે.