Ind vs Eng 4th Test : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ નહીં રમે. તેને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ નવા ખેલાડીને તક આપવા માટે તૈયાર છે. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે 27 વર્ષીય આકાશ દીપ રાંચીમાં ડેબ્યૂ કરી શકે છે. તે મોહમ્મદ સિરાજનો પાર્ટનર બની શકે છે. આકાશ દીપના ડેબ્યૂનો અર્થ એ છે કે ભારતીય ટીમ આ મેચમાં પણ 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર સાથે ઉતરશે.
આકાશ અને મુકેશ કુમાર બંને ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળના ફાસ્ટ બોલરો છે. ભારત પાસે ચોથી ટેસ્ટ માટે મોહમ્મદ સિરાજના પાર્ટનર માટે ફાસ્ટ બોલિંગના બે વિકલ્પ છે. પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો આકાશને પ્રથમ તક આપે તેવી સંભાવના છે કારણ કે તે ભારત-એ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની મેચોમાં તેની બોલિંગથી પ્રભાવિત થયા છે.

આકાશે ભારત-એ માટે શાનદાર પ્રદર્શન કર્યું
આકાશે ભારત-એ માટે રેડ બોલની બે મેચમાં 10 વિકેટ ઝડપી હતી. મુકેશની સાથે સાથે આકાશ પણ રેડ બોલ ક્રિકેટમાં બંગાળનો પ્રમુખ ફાસ્ટ બોલર રહ્યો છે. આકાશે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 23.58ની એવરેજથી 104 વિકેટ ઝડપી છે. વિઝાગમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન મુકેશે 12 ઓવર નાંખી હતી પણ સપાટ પીચ પર વિકેટ માટે સંઘર્ષ કર્યો હતો. તેની એકમાત્ર વિકેટ બીજા દાવમાં નંબર 10 પર આવેલા શોએબ બશીરની હતી.
આ પણ વાંચો – વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો, અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો, અકાય નામ રાખ્યું
કેએલ રાહુલ પણ ઉપલબ્ધ નથી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિર્ણય હાલના સમયમાં તેણે રમેલા ક્રિકેટની ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમને કેએલ રાહુલની સેવાઓ નહીં મળે. તે ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી.





