Mohammed Shami : ભારતનો દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. પોતાના રિહેબ વિશે વાત કરતા આ ફાસ્ટ બોલરે કહ્યું કે આ એક ડરામણી ફીલિંગ હતી. તેને દોડવા જતા પણ ડર લાગતો હતો. જોકે તેણે હાર માની ન હતી અને પુનરાગમન કરવાનો પ્રયત્ન યથાવત્ રાખ્યો હતો. જેના કારણે હવે તેને પરીણામ મળી રહ્યું છે.
બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે જેમાં શમી પતંગ ઉડાવતો જોવા મળ્યો હતો. પતંગ ઉડાવતી વખતે તેણે પોતાના રિહેબ વિશે વાત કરી હતી. નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામેની વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં હાર્યા બાદ શમીને પગની ઘૂંટીની ઈજાના કારણે રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થવું પડયું હતુ. તેણે સર્જરી કરાવવી પડી હતી. આ પછી જ્યારે તે રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવાની નજીક હતો, ત્યારે તેના ડાબા ઘુંટણમાં સોજો આવી ગયો હતો.
શમીનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સમાવેશ કરાયો
આ ફાસ્ટ બોલરને હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચોની શ્રેણી માટેની ટીમમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શમીએ બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે મેં આખું વર્ષ રાહ જોઈ હતી અને ખૂબ જ સખત મહેનત કરી હતી (સંપૂર્ણ ફિટનેસ પર પાછા ફરવા માટે). રિહેબિલિટેશન દરમિયાન દોડતી વખતે ઇજા થવાનો ડર પણ હતો.
શમીએ કહ્યું કે કોઈ પણ ખેલાડી જ્યારે ટીમમાં પુનરાગમન કરવાની નજીક હોય ત્યારે તેને ઈજા થવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમને ઈજા થાય તો તમારે રિહેબિલિટેશન માટે એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી) જવું પડે છે અને ત્યાર બાદ પાછા આવવું પડે છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી વિનર લિસ્ટ, કોણ જીત્યું છે સૌથી વધારે ટૂર્નામેન્ટ
શમીએ કહ્યું – ખેલાડી ઈજા થયા બાદ વધુ મજબૂત બને છે
શમીએ કહ્યું કે કોઈપણ ખેલાડી ઈજા થયા બાદ વધુ મજબૂત બને છે. મને લાગે છે કે એક ખેલાડી તરીકે જ્યારે તમે ઇજાગ્રસ્ત થાઓ છો ત્યારે તમે વધુ મજબૂત બનો છો કારણ કે માનસિક રીતે મજબૂત રહેવા માટે તમારે ઘણી બધી બાબતોનું પુનરાવર્તન કરવાની જરૂર છે.
શમીએ કહ્યું કે તે તેની નિષ્ફળતામાંથી બહાર આવી ગયો છે અને તે આગળ વધવા માટે ઉત્સુક છે. તેણે કહ્યું કે જે થઈ ગયું, તે થઈ ગયું. હું તે (ઈજા)ના સ્ટેજ પરથી આગળ નીકળી ગયો છું. મહેનત કરશો તો પરિણામ મળશે. તેમાં જ હું માનું છું. જો તમે ઈજાગ્રસ્ત થઈ જાઓ તો રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવા માટે તમારી પાસે પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. તેથી સંજોગો સામે લડીને આગળ વધો.