IND vs ENG Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પણ ટૂંક સમયમાં દુબઈથી રાજકોટ પહોંચશે. ભારતીય ટીમ રાજકોટમાં સયાજી હોટલમાં રોકાશે, જ્યાં ટીમના ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા 19 ફેબ્રુઆરી સુધી રાજકોટમાં રહેશે
સયાજી હોટલના ડાયરેક્ટરે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બીસીસીઆઇએ તેની હોટલને 10 દિવસ માટે બુક કરાવી છે, એટલે કે ભારતીય ખેલાડીઓ રાજકોટમાં 10 દિવસ રોકાશે. હોટલ ડાયરેક્ટરે કહ્યું કે ભારતીય ખેલાડીઓ 11 થી 19 ફેબ્રુઆરી સુધી પોતાની હોટલમાં રોકાશે. 20 ફેબ્રુઆરીએ ખેલાડીઓનું ચેકઆઉટ છે.
રોહિત અને રાહુલ માટે ખાસ રૂમ
સયાજી હોટલમાં ટીમ ઇન્ડિયા માટે ખાવા-પીવાથી લઇને તેમના રોકાણ સુધીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલ માટે સૌરાષ્ટ્ર હેરિટેજની થીમ સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હોટલ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હોટલમાં ખાસ ગરબાથી ખેલૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ખેલાડીઓ માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા છે.
આ પણ વાંચો – રાજકોટથી આ ખેલાડી ડેબ્યૂ કરશે? રણજી ટ્રોફી ન રમનારાઓથી બોર્ડ નાખુશ
ટીમ ઈન્ડિયાનું ફૂડ મેનુ
હોટલ ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું છે કે ભારતીય ખેલાડીઓ માટે બોર્ડ તરફથી કેટલીક સૂચનાઓ પણ આવી હતી, જે મુજબ ખેલાડીઓનું જમવાનું તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે ખેલાડીઓને નાસ્તામાં ખાસ કાઠિયાવાડી, જલેબી અને ફાફડા આપવામાં આવશે. લંચમાં અમારી સ્પેશ્યલ થાળી રહેશે જેમાં ગુજરાતી ભોજનની ઘણી વાનગીઓ હશે. ડિનરમાં ખેલાડીઓને ખાખરા, ગાંઠીયા, થેપલા, ખમણ, વઘારેલો રોટલો અને દહીં ટીકારી જેવી ખાસ કાઠિયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. રાતના ભોજનમાં ખિચડી કઢી અને રોટાલો પણ સામેલ છે.
ધોની, રાહુલ અને હાર્દિકને ખીચડી-કઢી ગમે છે
હોટલ સંચાલકે કહ્યું કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કાઠિયાવાડી ખાવાનું પસંદ છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને એમએસ ધોનીને અહીંનું ખાવાનું ખૂબ જ પસંદ છે. તેમણે જણાવ્યું કે છેલ્લે જ્યારે ટીમ અહીં આવી હતી ત્યારે કેએલ રાહુલને ખિચડી-કઢી ખૂબ જ પસંદ આવ્યા હતા. ધોની જ્યારે પણ રાજકોટ આવે છે ત્યારે ખીચડી-કઢી અવશ્ય ખાય છે.