Devendra Pandey : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. યુવા બેટ્સમેન સરફરાઝ ખાન આ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ભારતીય વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલ રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા બાદ સરફરાઝની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી નિશ્ચિત મનાય છે. કેેએલ રાહુલના સ્થાને ટીમમાં દેવદત્ત પડ્ડીકલનો સમાવેશ કરાયો છે. આ સિરીઝ માટે સરફરાઝની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને અત્યાર સુધી પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. સરફરાઝની આ રાહ પૂરી થવાની તૈયારીમાં છે. સરફરાઝની સાથે સાથે ધ્રુવ જુરેલને પણ પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી મળી શકે છે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે કેએલ રાહુલ હજુ સુધી રાજકોટ પહોંચ્યો નથી. સ્થાનિક ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમ સાથે જોડાયો છે. ટીમમાં સામેલ થવું ફિટનેસ પર નિર્ધારિત હતું અને બીસીસીઆઈની તબીબી ટીમને હજી પણ લાગતું નથી કે તે મેચ માટે ફિટ છે.
સરફરાઝ ખાન રાજકોટમાં કરશે ડેબ્યૂ
સરફરાઝ ખાને છેલ્લી ત્રણ ડોમેસ્ટિક સિઝનમાં સતત 100થી વધુની એવરેજથી રન ફટકાર્યા છે. આ સિરીઝમાં તેને પહેલીવાર ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. સરફરાઝને પ્રથમ ટેસ્ટમાં સ્થાન મળ્યું ન હતું, જ્યારે રજત પાટીદારને બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. એક સૂત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે સરફરાઝને રાજકોટમાં ટેસ્ટ કેપ આપવામાં આવશે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાને રાજકોટમાં કાઠિયાવાડી ભોજન મળશે, નાસ્તામાં જલેબી અને ફાફડા પીરસાશે
ધ્રુવ જુરેલ પણ ડેબ્યૂ કરી શકે છે
રાજકોટમાં ટેસ્ટમાં ધ્રુવ જુરેલને પણ ટેસ્ટ કેપ મળી શકે છે. ઉત્તર પ્રદેશના 23 વર્ષીય ધ્રુવને કેએસ ભરતની જગ્યાએ તક મળી શકે છે. ભરતે આ સિરીઝમાં વિકેટકીપિંગ તો સારી કરી છે પરંતુ તે વધારે રન બનાવી શક્યો નથી. આવી સ્થિતિમાં મેનેજમેન્ટ તેને ડ્રોપ કરી શકે છે.