IND vs ENG T20i India Squad Announced : ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીથી રમાનારી પાંચ મેચની સિરીઝ માટે મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે નવેમ્બર 2023માં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો. ઘૂંટણની ઈજાને કારણે તે એક વર્ષથી વધારે સમયથી મેદાનથી દૂર રહ્યો હતો. તેની 14 મહિના પછી ભારતીય ટીમમાં વાપસી થઇ છે. આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે અક્ષર પટેલને મોટી જવાબદારી આપતા વાઇસ કેપ્ટન બનાવ્યો છે.
34 વર્ષીય રણજી ટ્રોફીમાં મેદાનમાં પરત ફર્યો હતો અને ટી-20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પણ રમ્યો હતો. હાલ તે 50 ઓવરની વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યો છે. જોકે ઘૂંટણમાં સોજો આવી જતાં તેને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.
ઋષભ પંતને ટીમમાં સ્થાન ના મળ્યું
પસંદગીકારોએ બીજા વિકેટકિપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરી છે, જ્યારે ઈન ફોર્મ સંજુ સેમસન પહેલી પસંદ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું નથી. જુરેલને જિતેશ શર્માને સ્થાન સામેલ કરાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પણ ટી 20 ટીમમાં સામેલ છે. મિડલ ઓર્ડર બેટ્સમેન રિયાન પરાગ ઈજાના કારણે ટીમનો ભાગ નથી.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ શ્રેણી કાર્યક્રમ, અમદાવાદ અને રાજકોટમાં આ તારીખે રમાશે મેચ
ભારત ટી 20 ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર.
ભારત વિ ઇંગ્લેન્ડ કાર્યક્રમ
- પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
- બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
- ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
- ચોથી T20: 31 જાન્યુઆરી, પૂણે
- પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
વન-ડે શ્રેણી
- પ્રથમ વન-ડે : 6 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી વન-ડે : 9 ફેબ્રુઆરી, કટક
- ત્રીજી વન-ડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ