Devendra Pandey : રાજકોટમાં શરુ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. દિગ્ગજ ખેલાડી અનિલ કુમ્બલેએ તેને ટેસ્ટ કેપ આપી હતી. આ દરમિયાન સરફરાઝ ખાન ભાવુક થઇ ગયો હતો અને તેના આંસુ રોકી શક્યો ન હતો. તેની પત્ની ત્યાં હતી અને તે પણ તેની લાગણીઓને કાબૂમાં રાખી શકી ન હતી. ત્યાર બાદ સરફરાઝ ખાન પોતાના જીવનના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પિતા નૌશાદ પાસે દોડી ગયો અને તેમને ભેટી પડ્યો હતો. તેણે એક વખત ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે જ્યારે હું મારા દેશ માટે રમીશ ત્યારે હું આખો દિવસ રડીશ. સરફરાઝે ડેબ્યૂ મેચમાં 66 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને તે રન આઉટ થયો હતો. તેણે ભારતને 445 રન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
સરફરાઝ ખાન પોતાની સમગ્ર ઇનિંગ્સ દરમિયાન હિંમત, સંયમ અને ઇચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું હતું. તે બતાવે છે કે તે ટેસ્ટ સ્તરનો ખેલાડી છે. ઈંગ્લેન્ડના બોલરોએ તેની કસોટી કરી હતી. પેસ અને સીમ બોલિંગ, સ્પિન અને શાનદાર ફિલ્ડિંગ. તેની પાસે દરેક સવાલનો જવાબ હતો. ભારતીય ટીમમાં પહોંચવા માટે સરફરાઝે ઘણો સંઘર્ષ કર્યો છે. આમાં તેમના પિતાનું યોગદાન ઘણું મોટું રહ્યું છે, જેમણે આઝમગઢથી મુંબઈ આવીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નૌશાદ પુત્રનું ડેબ્યૂ જોવા માટે રાજકોટ આવવાના ન હતા. સૂર્યકુમાર યાદવની સમજાવટથી તેઓ મેચ જોવા ગયા હતા.
15 વર્ષની મહેનતનું ફળ મળ્યું
સરફરાઝ ખાનની આ સફર ઝનૂન અને ખંતની એક સંપૂર્ણ કહાની છે. લગભગ 15 વર્ષ સુધી તે રોજ પાંચ વાગ્યે ઉઠી જતો, જેથી તે સવારે 6.30 વાગ્યે પ્રેક્ટિસ માટે ક્રોસ ગ્રાઉન્ડ પર પહોંચી શકે. તે ધૂળવાળી પિચો પર તેની બેટિંગ કુશળતાને નિખારવા માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તે જતો ન હતો ત્યારે તે ભાઈ મુશીર સાથે ખાસ ક્રિકેટની પિચ પર પ્રેક્ટિસ કરતો હતો. તે નૌશાદે તેમના ઘરની બહાર જ તૈયાર કરી હતી. નૌશાદ કલાકો સુધી થ્રો-ડાઉન કરવામાં ગાળતા હતા. તેઓ વિરોધી ટીમોને મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે પૈસા આપતા હતા. આવામાં સરફરાઝ આખી ઇનિંગ્સ રમતો હતો, પછી ભલેને ટીમ હારી જાય કે જીતે.
જીવન સરળ રહ્યું નથી
નૌશાદ અને તેના પુત્રો માટે જીવન સરળ રહ્યું નથી. ઉત્તર પ્રદેશના આઝમગઢથી હિજરત કર્યા બાદ નૌશાદ ટ્રેનોમાં ટોફી અને કાકડી વેચતા હતા. તેઓ ટ્રેક પેન્ટ પણ વેચતા હતા. તે પશ્ચિમ રેલવેમાં ચોથા વર્ગનો કર્મચારી હતા. કમાણી ઘણી ઓછી હતી. તેથી જ તે આ કામ કરતા હતા. એક વખત તેમણે કહ્યું હતું કે અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. હું શૌચાલય માટે લાઇનમાં ઉભો રહેતો, જ્યાં લોકો મારા પુત્રોને થપ્પડ મારતા અને આગળ જતા રહેતા હતા. અમે કંઈ પણ લઈને આવ્યા નથી અને અમે કંઈપણ લઈ જઈશું નહીં. સરફરાઝે એક દિવસ મને કહ્યું કે અબ્બુ જો હું ભારત તરફથી ન રમી શક્યો આપણે ફરી ટોફી પેન્ટ વેચીશું.
આ પણ વાંચો – ધ્રુવ જુરેલની ક્રિકેટ કિટ ખરીદવા માતાએ ગીરવે મુક્યા હતા ઘરેણાં
ચાર કલાક સુધી પેડ પહેરી રાખ્યા
સરફરાઝ ખાન જ્યારે બેટિંગ કરવા માટે તેના વારાની લગભગ ચાર કલાક રાહ જોતો હતો ત્યારે તે બધી બાબતો સરફરાઝના મગજમાં ફરતી રહી હશે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે મેં ચાર કલાક સુધી પેડ પહેરી રાખ્યા હતા, પરંતુ મેં મારી જાતને કહ્યું હતું કે આટલી ધીરજ રાખી છે તો આ વધુ ધીરજ રાખવાનો સમય છે.
અબ્બુ મેચ જોવા આવવાના ન હતા
જ્યારે બેટિંગ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે કોઈ ગભરાહટ દેખાડી ન હતી. તે પિતા અને પુત્ર બંને માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. દિવસની રમત પૂરી થયા બાદ સરફરાઝે કહ્યું કે તેમની સામે ભારત માટે રમવાનું મારું સપનું હતું. મારા પિતા અગાઉ મેચ જોવા આવવાના ન હતા, પણ કેટલાક લોકોએ તેમને વિનંતી કરી હતી અને તેઓ આ ખાસ પળના સાક્ષી બનવા આવ્યા હતા. મને લાગે છે કે હવે મારા ખભા પરથી થોડો ભાર હળવો થયો છે કારણ કે મેં મારા પિતાના પ્રયત્નોને વ્યર્થ જવા દીધા નથી. બાદમાં સરફરાઝના મુંબઈના સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવે તેના પિતાને રાજકોટ જવા માટે મનાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું.
શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પણ સરફરાઝ ખાનને લાંબી રાહ જોવી પડી
સરફરાઝ ખાનની સવારની શરૂઆત અન્ય દિવસોની જેમ દલેર મહેંદી અને પ્રીતમ દ્વારા ગવાયેલી ફિલ્મ દંગલના ટાઇટલ ટ્રેકને સાંભળીને થઈ હતી. ગીત સંઘર્ષ અને પ્રેરણા વિશે વાત કરે છે અને તે તેની સાથે જોડાયેલા લાગે છે. સરફરાઝનો સંઘર્ષ મેદાન ઉપર પણ જારી રહ્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પણ સરફરાઝને લાંબી રાહ જોવી પડી હતી. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ પ્રવાસ માટેની ભારતની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી, પણ જ્યારે સિનિયર ખેલાડીઓ પાછા ફર્યા ત્યારે તેને પડતો મુકવામાં આવ્યો હતો. એ વાત ચારેય બાજુ ફેલાઇ ગઇ હતી કે તે ગતિ અને બાઉન્સને રમવામાં સહજ નથી. આઈપીએલ સારી ન રહેવાથી સમસ્યા વધી હતી.
પિતાને શેર-શાયરીનો શોખ છે
ઘણી વખત એવું બન્યું કે તક ન મળતા પિતા-પુત્ર બંને નિરાશ થયા હતા, પરંતુ શેરના શોખીન નૌશાદ પોતાના પુત્રને સલાહ આપતા હતા કે, “રખ હૌસલા વો મંઝર ભી આયેગા, પ્યાસે કે પાસ સમુંદર ભી આયેગા. તેમની અન્ય એક પ્રિય પંક્તિ છે, “થક કર ન બૈઠ યે મંઝિલ કે મુસાફિર.” મંજિલ ભી મિલેંગી ઔર મિલને કા મજા ભી આયેંગા.”