IND vs ENG : દરેક ભારતીય ખેલાડીઓનું સપનું હોય છે કે તે પોતાના નામે એવો રેકોર્ડ બનાવે જે ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાઇ જાય. આ વખતે શુભમન ગિલ પાસે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આવી સોનેરી તક છે. ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે અને દરેક ક્રિકેટ પ્રેમીની નજર આ ‘પ્રિન્સ’ પર ટકેલી છે. સવાલ એ છે કે શું ગિલ કેપ્ટનશિપ ડેબ્યૂમાં આ કમાલ દેખાડી શકશે, જે અત્યાર સુધી માત્ર પાંચ ભારતીય કેપ્ટનોએ જ કરી શક્યા છે?
પાંચ ભારતીય ખેલાડીઓની અનોખી યાદી
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં માત્ર પાંચ જ એવા કેપ્ટન્સ બન્યા છે કે જેમણે તેમની પ્રથમ ટેસ્ટની કેપ્ટન્સી ઈનિંગમાં 100થી વધુ રન ફટકાર્યા હતા. આ યાદીમાં ટોચ પર ‘કિંગ’ વિરાટ કોહલી છે, જેણે 2014માં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ ડેબ્યૂમાં 256 રન (115 અને 141) ફટકારીને ધમાલ મચાવી હતી. તેના પછી વિજય હઝારેનો નંબર આવે છે, જેમણે 1946માં ઈંગ્લેન્ડ સામે અણનમ 164 રન ફટકાર્યા હતા. ત્યારબાદ સુનિલ ગાવસ્કર (151 રન), દિલીપ વેંગસરકર (112 રન) અને હેમુ અધિકારી (103 રન) છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણેએ પણ પોતાની કેપ્ટનશિપની પ્રથમ ઇનિંગમાં 84-84 રન બનાવ્યા હતા.
શુભમન ગિલની અત્યાર સુધીની સફર
શુભમન ગિલે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી વખત બતાવી દીધું છે કે તેનામાં મોટી મેચોમાં ચમકવાની ક્ષમતા છે. પછી તે ગાબામાં ઓસ્ટ્રેલિયા સામે 91 રનની શાનદાર ઈનિંગ હોય કે પછી ઈંગ્લેન્ડ સામેની ઘરેલું શ્રેણીમાં સદી, ગિલે વારંવાર સાબિત કર્યું હતુ કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે રન બનાવી શકે છે. હવે જ્યારે તેને ઈંગ્લેન્ડમાં કેપ્ટન્સી કરવાની તક મળી છે, ત્યારે ચાહકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
આ પણ વાંચો – ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક
ઇંગ્લેન્ડમાં ગિલની કેપ્ટનશિપની થશે કસોટી
ગિલની બેટિંગમાં એક ખાસ બાબત છે – તેની શાંતિ અને સંયમ. તે મેદાન પર ઉતાળ કર્યા વિના તેની રમતને આગળ ધપાવે છે. પણ કેપ્ટન્સીનું દબાણ જુદું જ હોય છે. એક કેપ્ટને માત્ર તેની બેટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી હોતું, પરંતુ આખી ટીમને પણ સાથે રાખવાની હોય છે. ગિલ માટે આ એક નવો પડકાર હશે, પરંતુ તેના શાંત સ્વભાવને જોતાં લાગે છે કે તે તેને સારી રીતે રમશે.
શું ગિલ ઇતિહાસ રચી શકશે?
કોહલીના 256 રનના રેકોર્ડને તોડવો આસાન નથી, પરંતુ ગિલમાં એ કૌશલ્ય છે કે તે આ યાદીમાં પોતાનું નામ ચોક્કસ નોંધાવી શકે છે. જો ગિલ કેપ્ટનશિપ ડેબ્યૂમાં એક સદી કે તેથી વધુ સદી ફટકારશે તો તે વિરાટ કોહલીની એક્સક્લુઝિવ ક્લબમાં સામેલ થઈ જશે.