IND vs ENG Women’s U19 World Cup Final : અંડર-19 આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.
આ જીત સાથે જ ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી છે. ભારત તરફથી કેપ્ટન શેફાલી વર્માએ 15, શ્વેતા શેહરાવતે 5, જી તૃષાએ 24 અને સૌમ્યા તિવારીએ અણનમ 24 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ 68 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન ગ્રેસ સ્ક્રિવેંસ અને લિબર્ટી હીપે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરના ચોથા જ બોલે હીપ ખાતું ખોલાયા વિના ટી સાધુની ઓવરમાં કેચ આઉટ થઇ હતી. ભારતીય બોલિંગ આક્રમક સામે ઇંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ઇંગ્લેન્ડની ચાર પ્લેયર નીવ હોલેન્ડ (10), રાયના મેકડોનલ્ડ-ગે (19), એલેક્સા (11) અને સોફિયા સ્મેલ (11) જ ડબલ ફિગર સુધી પહોંચી શકી હતી. ઇંગ્લેન્ડ 68 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
આ પણ વાંચો – 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો, અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ માટે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી
તીતા સાધુ, અર્ચના દેવી અને પાર્શવી ચોપડાએ 2-2 વિકેટ ઝડપી
ભારત તરફથી તીતા સાધુ, અર્ચના દેવી અને પાર્શવી ચોપડાએ 2-2 વિકેટ ઝડપી હતી. મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવને 1-1 વિકેટ મળી હતી.
ટીમ અને સપોર્ટ સ્ટાફને 5 કરોડ રૂપિયા આપવાની બીસીસીઆઈની જાહેરાત
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટ કર્યું કે અંડર 19 ટીમને અભિનંદન. આ એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ છે. આપણા યુવા ક્રિકેટર્સે દેશને ગૌરવાન્વિત કર્યું છે. હું શેફાલી વર્મા અને તેમની વિજય ટીમને અમારી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં હાજર રહેલા અને 1 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 જોવા માટે આમંત્રિત કરું છું. વર્લ્ડ કપના વિજયે મહિલા ક્રિકેટનું કદ ઘણું ઊંચું કરી દીધું છે. પુરુસ્કાર રાશિના રૂપમાં આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે. આ નિશ્ચિત રુપે એક પથ-પ્રદર્શક વર્ષ છે.