Yashasvi Jaiswal 1000 Runs in Calendar Year : ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે આ વર્ષ ખુબ જ ખાસ રહ્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં આ બેટ્સમેને માત્ર ટીમમાં પોતાનું સ્થાન પાક્કું જ નથી કર્યું પરંતુ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. જયસ્વાલ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર જે કરી શક્યો ન હતો તે સિદ્ધિ મેળવી છે.
સચિન તેંડુલકર પણ આ કમાલ કરી શક્યો નથી
જયસ્વાલે પ્રથમ ઇનિંગ્સમાં 30 રન બનાવ્યા હતા. આ સાથે જ આ વર્ષે તેના ટેસ્ટ ફોર્મેટમાં 1000 રન પુરા થઇ ગયા છે. તે ભારતનો એવો સૌપ્રથમ ખેલાડી છે કે જેણે 23 વર્ષની ઉંમર પહેલા જ કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પુરા કર્યા છે. સચિને 16 વર્ષની ઉંમરમાં જ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. જોકે 23 વર્ષની ઉંમર પહેલા સચિન આવી સિદ્ધિ મેળવી શક્યો ન હતો.
યશસ્વી જયસ્વાલ આ ખાસ ક્લબમાં સામેલ થયો
યશસ્વી જયસ્વાલ તે દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલ 23 વર્ષની ઉંમર પહેલા એક કેલેન્ડર વર્ષમાં 1000+ રન બનાવનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો છે. તેના પહેલા વેસ્ટ ઈન્ડિઝનો ગેરી સોબર્સ, સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ, એબી ડી વિલિયર્સ અને ઇંગ્લેન્ડનો એલિસ્ટર કૂક આ કમાલ કરી ચૂક્યા છે. તે આ ક્લબમાં જોડાનાર પ્રથમ ભારતીય છે. જયસ્વાલ 2024માં 1000થી વધુ ટેસ્ટ રન ફટકારનારો સૌપ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો છે.
આ પણ વાંચો – અશ્વિને નાથન લિયોનને પાછળ રાખ્યો, આ છે ટેસ્ટ ક્રિકેટમાં 500 થી વધારે વિકેટ લેનાર બોલરોની યાદી
23 વર્ષની વય પહેલાં કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ ટેસ્ટ રન
- 1193 ગારફિલ્ડ સોબર્સ, વર્ષ – 1958
- 1198 ગ્રીમ સ્મિથ, વર્ષ – 2003
- 1008 એબી ડી વિલિયર્સ, વર્ષ – 2005
- 1013 એલિસ્ટર કૂક, વર્ષ – 2006
- 1001* યશસ્વી જયસ્વાલ, વર્ષ – 2024