scorecardresearch

IND vs NZ 3rd T20 : અમદાવાદમાં શુભમન ગિલની આક્રમક સદી, ટી-20માં ભારતનો સૌથી મોટો વિજય

IND vs NZ 3rd T20 : શુભમન ગિલે 63 બોલમાં 12 ફોર 7 સિક્સર સાથે અણનમ 126 રન ફટકાર્યા, ત્રીજી ટી-20માં ભારતનો 168 રને ભવ્ય વિજય, ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી

IND vs NZ 3rd T20 : અમદાવાદમાં શુભમન ગિલની આક્રમક સદી, ટી-20માં ભારતનો સૌથી મોટો વિજય
IND vs NZ 3rd T20 – ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20માં 168 રને ભવ્ય વિજય મેળવ્યો (Express photo by Nirmal Harindran)

IND vs NZ 3rd T20 Cricket Match: શુભમન ગિલની અણનમ સદી (126) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20માં 168 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 12.1 ઓવરમાં 66 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રનના મામલે ભારતે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી મોટો વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય 143 રનનો હતો. જે 2018માં આયરલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો છે. આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી મોટી જીતનો રેકોર્ડ ચેક રિપબ્લિકના નામે છે. ચેક રિપબ્લિકની ટીમે 2019માં તુર્કીને 257 રનથી હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડનો ધબડકો

ફિન એલન (1), કોનવે (1), માર્ક ચેપમેન (00), ગ્લેન ફિલિપ્સ (2), બ્રેસવેલ (8) સસ્તામાં આઉટ થયા ન્યૂઝીલેન્ડે 21 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મિશેલે સૌથી વધારે 35 રન બનાવ્યા હતા. મિશેલ સિવાય ફક્ત સેંટનર (13) જ ડબલ ફિગરના આંકને વટાવી શક્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 વિકેટ જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ ઝડપી હતી.

શુભમન ગિલની સદી

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહેતા ઇશાન કિશન ફક્ત 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ 80 રનની ભાગીદારી નિભાવી બાજી સંભાળી હતી. રાહુલ ત્રિપાઠી 22 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 44 રન બનાવી કેચ આઉટ થયો હતો. શુભમન ગિલે એક છેડો સાચવી રાખી 54 બોલમાં 10 ફોર 5 સિક્સર સાથે સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 24 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. હાર્દિક અને શુભમન વચ્ચે 103 રનની ભાગીદારી નોંધાઇ હતી. શુભમન 63 બોલમાં 12 ફોર 7 સિક્સર સાથે 126 રન બનાવી અણનમ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ટી-20માં સદી ફટકારનાર શુભમન ગિલ સાતમો ભારતીય

શુભમન ગિલે ટી-20 કારકિર્દીની પહેલી સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ટી-20માં સદી ફટકારનાર સાતમો ભારતીય બની ગયો છે. આ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી સદી ફટકારી ચૂક્યા છે.

ભારતીય મહિલા ટીમની ખેલાડીઓનું સન્માન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સચિન તેંડુલકર, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે અંડર-19 વર્લ્ડ કપ જીતીને પરત ફરેલી ભારતીય મહિલા ટીમની ખેલાડીઓનું સન્માન કર્યું હતું. સચિને શેફાલી વર્માની આગેવાની હેઠળની ટીમને 5 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

બન્ને ટીમો આ પ્રકારે છે

ભારતીય ટીમ – શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ ટીમ – ફિન એલેન, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, માઇકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ઇશ સોઢી, મિશેલ સેંટનર (કેપ્ટન), બ્લેયર ટિકનર, બેન્જામીન લિસ્ટર.

Web Title: Ind vs nz 3rd t20 match live score narendra modi stadium ahmedabad

Best of Express