IND vs NZ Test : ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ સામેની શરુઆતની બે ટેસ્ટ મેચમાં પરાજય થયો હતો. આ બંને મેચમાં ભારતીય ખેલાડીઓ સ્પિનરો સામે સંઘર્ષ કરતા દેખાયા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પણ ફ્લોપ રહ્યા હતા. લેજન્ડરી બેટ્સમેનોના ફ્લોપ શો ને જોતા હવે ચાહકોથી લઈને દિગ્ગજો સુધી આ ખેલાડીઓ ડોમેસ્ટીક ક્રિકેટમાં પાછા ફરવાની સલાહ આપી રહ્યા છે.
દિનેશ કાર્તિકે પણ આપી સલાહ
રોહિત અને વિરાટના સાથે રહેલા દિનેશ કાર્તિકે તેમને સલાહ આપી છે. દિનેશ કાર્તિકે કહ્યું કે કદાચ તેમણે ઘરેલું ક્રિકેટમાં પાછા ફરવું જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે ડાબોડી સ્પિનરો જોખમ ઉભું કરે છે. કોહલી માટે પણ આ સરળ રહ્યું નથી. શ્રેણી તેમના માટે સારી રહી નથી. ચારમાંથી ત્રણ ઈનિંગમાં તેઓએ નિરાશ કર્યા છે. સ્પિનરોએ તેમને ખુબ પરેશાન કર્યા છે, જેના કારણે હવે તેમણે તેનો ઈલાજ શોધવો પડશે. ’
પૂર્વ ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમતા હતા
પૂર્વ પસંદગીકાર સુનીલ જોશીએ કહ્યું કે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી ભારતીય ખેલાડીઓને વધુ સારી સ્પિન રમવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આપણે ભૂલી ગયા છીએ કે સ્પિનની યોજના કેવી રીતે બનાવવામાં આવે છે. જો આપણા સ્પિનરો ઘરઆંગણે જીતની સ્ક્રીપ્ટ તૈયાર કરી શકતા હોય તો આપણા બેટ્સમેનોએ સ્પિન રમતાં શીખવું જોઈએ. આપણે આપણા ટોપ ઓર્ડરના બેટસમેનોને ડોમેસ્ટીક ક્રિકેટમાં રમવા પાછા ફરતા ક્યારે જોઈશું ? જો તમે ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમો તો સ્પિનરોને રમી શકશો નહીં.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારતના પરાજય બાદ WTC પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, જાણો શું છે ટીમોની સ્થિતિ
તેમણે વધુમાં કહ્યું કે તે સમયે દરેક મોટો ખેલાડી ઘરેલું ક્રિકેટમાં પરત ફરતો હતો, કેટલીક મેચો રમતા અને પછી ટેસ્ટ ક્રિકેટ માટે જતા હતા. શા માટે આપણા ટોચના ખેલાડીઓ પણ આવું કેમ ન કરી શકે ? ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું આસાન નથી. તે પોતે જ એક પડકાર છે.
સોશિયલ મીડિયા પર ઉઠી રહી છે માંગ
સોશિયલ મીડિયા ઉપર પણ આ ડિમાન્ડ ઉભી થઇ રહી છે. પ્રશંસકો વિરાટ અને રોહિતને સચિન તેંડુલકરનું ઉદાહરણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે સચિન 40 વર્ષની ઉંમર સુધી રણજી ક્રિકેટ રમતા હતા. તેમની છેલ્લી મેચ તેમના નિવૃત્ત થવાના 15 દિવસ પહેલાની હતી. વિરાટ 2012થી અને રોહિત 2016થી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા નથી. જો સચિન રમી શકતો હોય તો આપણે કેમ ન રમી શકીએ? અન્ય એક પ્રશંસકે લખ્યું કે એક મજેદાર ફેક્ટ એ છે કે કોહલી છેલ્લી રણજી ટ્રોફી મેચ 2012માં રમ્યો હતો જ્યારે સચિન તેંડુલકરે 2013માં છેલ્લી રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.