Ind vs NZ 2nd Test : વિરાટ કોહલી પોતાની શાનદાર ટેસ્ટ કારકિર્દીમાં અલગ-અલગ રીતે આઉટ થયો હશે. તેમાંથી આપણને થોડી જ યાદ હશે. જોકે તે તેની 198મી ટેસ્ટ ઈનિંગમાં જે અજીબ પ્રકારે આઉટ થયો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પૂણે ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં મિચેલ સેન્ટનરનો સીધો, લો ફૂલ ટોસ બોલ મીસ કર્યો હતો.
વિરાટ કોહલી ફુલ ટોસ બોલને સ્લોગ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે બોલ્ડ થઈ ગયો હતો. વિરાટ કોહલી શરૂઆતમાં થોડો આગળ આવ્યો હતો. કદાચ તે મિશેલ સેન્ટનર પર પ્રહાર કરવા માંગતો હતો. વિરાટ કોહલીએ વિચાર્યું હશે કે લેફ્ટ આર્મ સ્પિનર્સ સામાન્ય રીતે સપાટ અને ઝડપી બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં સ્લોગ સ્વીપમાં જોખમ ખૂબ ઓછું હશે.
પૂણેમાં બનાવ્યો છે પોતાનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર
તમને જણાવી દઈએ કે આ એ જ મેદાન છે જ્યાં વિરાટ કોહલીએ 5 વર્ષ પહેલા પોતાના ટેસ્ટ કેરિયરની અત્યાર સુધીની પોતાની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી. તે સમયે તેણે સાઉથ આફ્રિકાના શ્રેષ્ઠ બોલિંગ આક્રમણની સામે અણનમ 254 રન ફટકાર્યા હતા. હવે તે લેફ્ટ આર્મ સ્પિનરના ફુલ ટોસ પર આઉટ થયો છે.
જોકે એવા પણ પ્રસંગો આવે છે કે જ્યારે બેટ્સમેનો આઉટ થવાની પેટર્નને સમજી શકતા નથી. આ વખતે એવો કિસ્સો બન્યો હતો. આમ પણ વિરાટ કોહલીને માસ્ટર ઓફ સ્પિન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈએ પણ તેની પાસેથી આવી રીતે આઉટ થવાની અપેક્ષા રાખી ન હોત.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે એવી સિદ્ધિ મેળવી જે સચિને પણ નથી મેળવી, પ્રથમ ભારતીય બન્યો
2021થી એશિયામાં 801 રન જ બનાવ્યા
વિરાટ કોહલીના છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આઉટ થવા પર નજર નાખીએ તો એશિયામાં સ્પિનરોને કારણે તે પરેશાન રહ્યો છે. વિરાટ કોહલી 1 જાન્યુઆરી 2021થી અત્યાર સુધી એશિયામાં 17 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. પોતાની 28 ઇનિંગ્સમાં તેણે 30.80ની એવરેજથી કુલ 801 રન જ બનાવ્યા છે.
સ્પિનર સામે 6 વખત બોલ્ડ, 9 વખત એલબીડબલ્યુ
આ દરમિયાન તે 28માંથી 21 વખત સ્પિનર્સનો શિકાર બન્યો હતો. આ 21માંથી તે 6 વખત બોલ્ડ થયો છે, એક વખત સ્ટમ્પ્ડ થયો છે, 2 વખત વિકેટની પાછળ કેચ આઉટ થયો છે, 3 વખત મેદાનના અન્ય સ્થળોએ 3 કેચ આઉટ થયો છે અને 9 વખત એલબીડબલ્યુ થયો છે. સ્પિનરો સામે તે 28.85ની (2021થી એશિયામાં) ની સરેરાશથી જ સ્કોર કરી શક્યો છે.
લેફ્ટ આર્મ સ્પિનરો સામે ઘણો પરેશાન
સ્પિનરોમાં પણ વિરાટ કોહલી સૌથી વધુ ડાબોડી બોલર્સને કારણે પરેશાન રહ્યો છે. તે 21 માંથી 10 વખત (5 વખત બોલ્ડ અને 5 વખત એલબીડબલ્યુ) ડાબોડી સ્પિનરના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો અને માત્ર 22.70 ની એવરેજથી રન બનાવી શક્યો છે. જમણા હાથના સ્પિનર સામે તે 11 વખત આઉટ થયો છે. આ દરમિયાન તેણે 38.54ની એવરેજથી રન બનાવ્યા છે.