IND vs SA 1st Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14મી નવેમ્બરને શુક્રવારથી કોલકાતા ઇડન ગાર્ડન્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બે દિવસ પહેલા જ આ મેચના પ્લેઈંગ 11 વિશે મોટી માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રિયાન ટેન ડેશકાટે બુધવારે પુષ્ટિ કરી હતી કે ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટ રમશે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે એક ખેલાડી પ્રથમ મેચ ગુમાવી શકે છે.
ધ્રુવ જુરેલના તાજેતરના ફોર્મને જોતા તેને ઋષભ પંતની સાથે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવું જોઈએ તેવી સતત ચર્ચા ચાલી રહી છે. સૌરવ ગાંગુલીએ તેને નંબર 3 પર રમાડવાની સલાહ પણ આપી હતી. મેચના બે દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ડેશકાટે કહ્યું હતું કે મને નથી લાગતું કે તમે તેને (જુરેલ) ટેસ્ટ ટીમમાંથી બહાર રાખી શકો છો. પ્લેઇંગ 11 માંથી કોઇએ તો બહાર જવું પડશે.
તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા બધા કોમ્બિનેશન છે, જે રીતે ધ્રુવે ગયા અઠવાડિયે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ બે સદી ફટકારી હતી, તે પછી તેનું આ અઠવાડિયે રમવું નિશ્ચિત માની શકાય છે. ધ્રુવ જુરેલ આ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં નહીં હોય તો મને નવાઈ લાગશે. જુરેલે છેલ્લા કેટલાક દિવસોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયા એ તરફથી એક મેચમાં બે સદી ફટકારવા ઉપરાંત તેણે ભારતીય ટીમ માટે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સદી ફટકારી હતી.
પ્લેઇંગ 11 માંથી કોણ બહાર થશે?
હવે ધ્રુવ જુરેલની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવે તો કોઈએ તો બહાર જવું પડશે કારણ કે ટીમમાં ઋષભ પંત પણ આવી ગયો છે. તેના પર ડેશકોટે કહ્યું કે મેં એમ પણ કહ્યું છે કે ટીમ માટે રણનીતિ પહેલા આવે છે અને પછી તે કે કોઇ ખેલાડીને તક આપવામાં આવે. નીતિશ (રેડ્ડી)માટે અમારા વિચારો બદલાયા નથી. તેને ઓસ્ટ્રેલિયામાં ઓછો સમય મળી શક્યો હતો. શ્રેણીનું મહત્વ અને ભારતીય પરિસ્થિતિને જોતા તે આ સપ્તાહે ટેસ્ટ મેચ મિસ કરી શકે છે. એટલે કે રેડ્ડીના સ્થાને જુરેલ ટીમમાં આવી શકે છે. ભારતીય ટીમ પેસ ઓલરાઉન્ડર વિના ઉતરી શકે છે.
આ પણ વાંચો – ગિલ અને ગંભીરની ચિંતા વધારી શકે છે આ રેકોર્ડ, ઇડન ગાર્ડન્સમાં કેવું છે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.





