/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/gautam-gambhir-shubman-gill.jpg)
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ (તસવીર - સોશિયલ મીડિયા)
IND vs SA 2nd Test : ભારતીય ક્રિકેટ ટીમનું છેલ્લા દોઢ વર્ષમાં પોતાની જ ભૂમિ પર પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સાત ટેસ્ટ મેચ રમ્યું છે અને જેમાં પાંચ ટેસ્ટમાં તેનો પરાજય થયો છે. ગત વર્ષે 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી હરાવીને વ્હાઇટવોશ કર્યો હતો. હવે સાઉથ આફ્રિકાએ ભારતની ધરતી પર ભારતને 2-0થી વ્હાઇટવોશ કર્યો છે.
આવી સ્થિતિમાં તે જાણવું ખુબ જ જરુરી બની જાય છે કે હેડ કોચ ગૌતમ ગંભીર એવી કઈ ભૂલો કરી રહ્યો છે જે તેના નેતૃત્વમાં ઘરઆંગણે ભારતીય ટીમનો દેખાવ કથળતો જાય છે. એવા ઘણા મુદ્દાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે ભારતને આગામી 6-7 મહિના સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનું નથી. હવે પછીનો પ્રવાસ શ્રીલંકાનો રહેશે જ્યાં જતા પહેલા ભારતે આ સમસ્યાઓનું સમાધાન શોધવું પડશે.
ગૌતમ ગંભીરની 3 મોટી ભૂલ, જેના કારણે ઘરઆંગણે ભારતનું પ્રદર્શન ખરાબ થયું
બેટિંગ પોઝિશનમાં સ્થિરતા નહીં
છેલ્લા દોઢ વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમની સતત ટેસ્ટ હાર બાદ સૌથી મોટી મુશ્કેલી અને ભૂલ જે સામે આવી છે તે છે બેટીંગ ઓર્ડરની અસ્થિરતા. ભારતીય ટીમમાં નંબર 3ની સમસ્યા સતત ઉભરી રહી છે. શુભમન ગિલની ઈજા બાદ નંબર 4 ઉપર પણ ચર્ચા થઈ હતી. નંબર 3 ની વાત કરીએ તો ભારતીય ટીમને ચેતેશ્વર પૂજારા બાદ કોઈ વિકલ્પ મળ્યો નથી. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન સ્થિર નથી. છેલ્લા 14 મહિનામાં 24 ખેલાડીઓ રમી ચૂક્યા છે, છતાં તમારું પ્લેઈંગ 11 સ્થિર નથી.
આ સિરીઝની છેલ્લી મેચમાં વોશિંગ્ટન સુંદરને આ પોઝિશન પર તક મળી હતી. આ મેચમાં સાઈ સુદર્શને વાપસી કરી હતી. તેથી ભારતીય ટીમ આ સ્થિતિની સમસ્યા સામે સતત ઝઝૂમી રહી છે. મિડલ ઓર્ડરમાં પણ ભારત પાસે હાલ એવો કોઈ અનુભવી બેટ્સમેન નથી કે જે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ પોઝિશન પરથી ક્રિઝ પર ટકી શકે અને મેચનો બચાવ કરી શકે. કરુણ નાયરે ઇંગ્લેન્ડ પ્રવાસમાં નિરાશ કર્યા હતા. અજિંક્ય રહાણેને તક મળી નથી.
અક્ષર પટેલને સ્થાને નીતિશ રેડ્ડીને પસંદ કર્યો
છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયામાં નીતિશ રેડ્ડીને ઘણી તકો આપવામાં આવી રહી છે. ટીમ મેનેજમેન્ટનો તેના વિશે અભિપ્રાય પણ સ્પષ્ટ નથી. ટેસ્ટ શ્રેણી પહેલા તેને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે ગિલ ઇજાગ્રસ્ત થયો ત્યારે તેને પાછો બોલાવવામાં આવ્યો હતો. તેને તક મળી રહી છે પરંતુ તે કંઇક ખાસ કરી શકતો નથી. તેના માટે અક્ષર પટેલને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો, જે અનુભવની સાથે વધુ સારો બોલર અને બેટ્સમેન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો - રોહિત શર્મા ટી 20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, પ્રથમ વખત એક્ટિવ પ્લેયરને મળ્યું સન્માન
ગુવાહાટી ટેસ્ટમાં નીતિશે પ્રથમ ઇનિંગમાં 6 ઓવર અને બીજી ઇનિંગમાં 4 ઓવર નાંખી હતી. તેણે 10 ઓવરમાં 49 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી નથી. તેણે બેટિંગમાં પણ નિરાશ કર્યા હતા. એમસીજીમાં એકમાત્ર સદી બાદ તે છેલ્લી 10 ઈનિંગમાં માત્ર 103 રન જ બનાવી શક્યો છે. તેની સરેરાશ માત્ર 10 છે. માત્ર ત્રણ વખત તે ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે તેની ભૂમિકા અને પર્ફોમન્સને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે.
પિચને સમજવામાં નિષ્ફળતા
ટેસ્ટ ક્રિકેટમાં કોચ તરીકે ગૌતમ ગંભીરની સૌથી મોટી નિષ્ફળતા તેમની પિચ સમજવામાં નિષ્ફળતા છે. અગાઉ રાહુલ દ્રવિડ તેમના કાર્યકાળ દરમિયાન પિચ અંગે ખૂબ જ ગંભીર જોવા મળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ટીમનો દેખાવ પણ શાનદાર રહ્યો હતો. પણ ગૌતમ ગંભીરની કોચ તરીકે પિચ વાંચવામાં નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ મેચને જોતા એવું લાગતું હતું કે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો બીજી પીચ પર રમી રહ્યા છે અને ભારતીય બેટ્સમેનો બીજી પીચ પર રમી રહ્યા છે.
આનું કારણ મેચ અગાઉની પીચને ન સમજવું અને તે મુજબ ટીમની પસંદગી ન કરવી છે. આ કારણે ભારતીય ટીમ પોતાના ઘરમાં સારી રીતે રમી શકતી નથી તે જોવા મળી રહ્યું છે. ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે રમી શકતા નથી. વિદેશી ખેલાડીઓ એક જ પીચ પર આવીને સદી ફટકારી રહ્યા છે. એક દાયકા પહેલા સુધી ભારતીયો સ્પિનમાં માસ્ટર હતા અને વિદેશી ખેલાડીઓની ખરાબ સ્થિતિ થતી હતી. આ કારણે ટીમ મેનેજમેન્ટે વિચારવું પડશે અને કોચ ગૌતમ ગંભીરે પણ તેની રણનીતિ બદલવી પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us