IND vs SA : ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. કેપટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે મોહમ્મદ સિરાજની આગેવાનીમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ સેશનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે.
આ પહેલા ભારત સામે 2015માં નાગપુરમાં સાઉથ આફ્રિકા 79 રન બનાવી આઉટ થયું હતું. સાઉથ આફ્રિકા ત્રીજી વખત ભારત સામે 100ની અંદર ઓલઆઉટ થઇ ગયું છે. કેપટાઉન ટેસ્ટ અને નાગપુર સિવાય 2006માં જોહાનિસબર્ગમાં આફ્રિકા 84 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
દક્ષિણ આફ્રિકાનો સૌથી લોએસ્ટ સ્કોર 30 રન
ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના સૌથી ઓછો સ્કોરની વાત કરવામાં આવે તો તે 30 રનનો છે. દક્ષિણ આફ્રિકા 1896માં ઈંગ્લેન્ડ સામે 30 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પછી 1924માં પણ ઇંગ્લેન્ડ સામે 30 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા.
આ પણ વાંચો – ભારત વિ. દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ લાઇવ સ્કોર
ડીન એલ્ગરનો નિર્ણય ખોટો સાબિત થયો
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશિપ કરી રહેલા ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. પ્રથમ 10 ઓવર સુધી સાઉથ આફ્રિકાના બેટ્સમેનો એક પણ ચોગ્ગો ફટકારી શક્યા નહતા. સિરાજે 6 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારે 2.2 ઓવરમાં એકપણ રન પણ આપ્યો ન હતો અને 2 વિકેટ ઝડપી હતી.





