IND vs SA Guwahati Test : ભારત સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. બીજી ટેસ્ટ જીતવા દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો પડકાર આપીને એક ઇતિહાસ રચ્યો છે. આ ભારતીય ધરતી ભારત સામે ટેસ્ટ મેચમાં કોઈપણ ટીમ દ્વારા આપવામાં આવેલ સૌથી મોટો લક્ષ્યાંક છે. 549 રનના પડકાર સામે ભારતે ચોથા દિવસના અંતે 2 વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારત હજુ 522 રન પાછળ છે અને તેની 8 વિકેટ બાકી છે.
દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઓસ્ટ્રેલિયાએ 2004માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત માટે 543 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. તે મેચમાં ભારતનો ભારત 342 રને પરાજય થયો હતો.
દક્ષિણ આફ્રિકાએ બીજો દાવ 260 રને ડિકલેર કર્યો
ગુવાહાટી ટેસ્ટમાં લક્ષ્યનો પીછો કરવો ભારત માટે લગભગ અશક્ય છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગમાં ભારતે ક્યારેય 445 રનથી વધુ રન બનાવ્યા નથી. દક્ષિણ આફ્રિકાએ પોતાનો બીજો દાવ પાંચ વિકેટે 260 રન પર ડિકલેર કર્યો. ટ્રિસ્ટન સ્ટબ્સ પોતાની ત્રીજી ટેસ્ટ સદી માત્ર છ રનથી ચૂકી ગયો. તેણે 180 બોલમાં 9 ફોર અને એક સિક્સર સાથે 94 રન બનાવ્યા. તેણે ટોની ડી જોર્જીર (49) સાથે ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી અને વિઆન મુલ્ડર (અણનમ 35) સાથે પાંચમી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી.
રવિન્દ્ર જાડેજાની 4 વિકેટ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો, તેણે 62 રનમાં 4 વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 288 રનની લીડ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાના 489 રનના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકા સામે વનડે માટે ભારતીય ટીમ જાહેર
ટેસ્ટમાં ભારત સામે સૌથી મોટા પડકારનો રેકોર્ડ પાકિસ્તાનના નામે
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક રાખ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી મોટા પડકારનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને 2006માં કરાચીમાં ભારતને 697 રનનો પડકાર આપ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડનો નંબર આવે છે. 2002માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 568 રનનો પડકાર આપ્યો હતો. આ સિવાય ઇંગ્લેન્ડે 1959માં માન્ચેસ્ટરમાં ભારતને 548 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુવાહાટી પહેલા દક્ષિણ આફ્રિકાનો ભારતમાં સૌથી વધુ પડકાર 467 રનનો હતો, જે 1996માં ઇડન ગાર્ડન્સમાં રાખવામાં આવ્યો હતો.





