Virat Kohli Record : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ડિસેમ્બરને શનિવારે વિશાખાપટ્ટનમમાં વન ડે શ્રેણીનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રમાશે આ મેચમાં સતત બે સદી ફટકારનારા વિરાટ કોહલી પર ફરી એક વખત નજર રહેશે. વિરાટ કોહલી તેની કારકિર્દીમાં એક વખત સતત ત્રણ વન-ડેમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચુક્યો છે. હવે તે કારકિર્દીમાં બીજી વખત આવી સિદ્ધિ મેળવવાની નજીક છે. વર્લ્ડ ક્રિકેટમાં માત્ર બાબર આઝમ જ પોતાની કારકિર્દીમાં બે વખત આમ કરી શક્યો છે.
વિરાટ 2018માં સતત ત્રણ વન ડેમાં સદી ફટકારી હતી
વિરાટ કોહલી બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરવાની નજીક પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ અગાઉ 2018માં વેસ્ટ ઈન્ડીઝ સામે સતત ત્રણ વન ડેમાં સદી ફટકારી હતી. વિરાટ સિવાય રોહિત શર્મા એક વખત આ સિદ્ધિ મેળવનારો બીજો ભારતીય છે. જ્યારે બાબર આઝમે કારકિર્દીમાં બે વખત આવી સિદ્ધિ મેળવી છે. તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે બે વખત આ સિદ્ધિ મેળવી છે. કુમાર સંગાકારા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે સતત ચાર મેચમાં સદી ફટકારી હતી.
વન ડે ક્રિકેટમાં સતત 3 સદી ફટકારનાર પ્લેયર્સ
- કુમાર સંગાકારા – 4 સદી
- વિરાટ કોહલી – 3 સદી
- રોહિત શર્મા – 3 સદી
- બાબર આઝમ – 3 સદી
- ફખર ઝમાન – 3 સદી
- ઝહીર અબ્બાસ – 3 સદી
- સઇદ અનવર – 3 સદી
- હર્ષલ ગિબ્સ – 3 સદી
- એબી ડી વિલિયર્સ – 3 સદી
- ક્વિન્ટોન ડી કોક – 3 સદી
- રોસ ટેલર – 3 સદી
- બાબર આઝમ – 3 સદી
- જોની બેરિસ્ટો – 3 સદી
આ પણ વાંચો – વન-ડે માં 300 કે તેથી વધારે રન બનાવીને 28મી વખત હાર્યું ભારત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શ્રેણી 1-1થી બરોબરી પર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી 1-1થી બરોબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ભારતીય ટીમે 17 રનથી જીત મેળવી હતી. જોકે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. હવે વિશાખાપટ્ટનમમાં આ સિરીઝની નિર્ણાયક મેચ છે. સાઉથ આફ્રિકા 10 વર્ષથી ભારતમાં વન ડે શ્રેણી જીતી શક્યું નથી. બીજી તરફ યજમાન ટીમ વન ડે શ્રેણી જીતીને ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે.





