IND vs SA T20 Series : ભારતીય ટી 20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ અંગે ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે કેપ્ટનનું કામ માત્ર ટોસ કરવાનું નથી. ભારતની ટી 20 વર્લ્ડ કપ 2024 જીત બાદથી સૂર્યકુમાર કંગાળ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય કેપ્ટને તેની છેલ્લી 20 ટી-20 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી, જે ટી-20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત માટે સારા સંકેત નથી.
કેપ્ટનનું કામ માત્ર ટોસ કરવાનું નથી
આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે તમે ટીમના કેપ્ટન છો પણ કેપ્ટનનું કામ માત્ર ટોસ કરવો અને બોલરોને મેનેજ કરવાનું નથી કે પછી તે માત્ર સ્ટ્રેટેજી બનાવવાનું નથી. જો તમે ટોચના ચારમાં બેટીંગ કરો છો, તો તમારી પ્રાથમિક ભૂમિકા રન બનાવવાની છે. ઘણી મેચો રમાઇ ગઇ છે અને જો તમે 17 ઇનિંગ્સમાં તમારી એવરેજ 14ની હોય અને સ્ટ્રાઇક રેટ પણ બહુ સારો નથી. તમારી પાસે એક પણ અડધી સદી નથી અને તમે માત્ર બે વખત 25થી વધુ રન બનાવી શક્યા છો તો તે એક મોટી સમસ્યા છે.
આકાશ ચોપરાએ એમ પણ કહ્યું કે ટી-20 વર્લ્ડ કપ પહેલા સૂર્યકુમાર અને વાઈસ કેપ્ટન શુભમન ગિલનું ફોર્મ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. જો તમે નંબર 3 અથવા નંબર 4 પર રમી રહ્યા છો અને રન બનાવતા નથી અને સતત અને લાંબા સમય સુધી રન બનાવતા નથી, તો વર્લ્ડ કપ શરૂ થાય ત્યારે તમે એટલા આત્મવિશ્વાસમાં નહીં હોય આથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ માટે રન બનાવવા અત્યંત જરુરી છે.
ટી 20 વર્લ્ડ કપ 2024 પછી સૂર્યકુમાર યાદવની ફક્ત 18.73 ની એવરેજ
ટી 20 વર્લ્ડ કપ 2024 પછી સૂર્યકુમારે 26 ઇનિંગ્સમાં 18.73 ની સરેરાશ અને 146.10 ની સ્ટ્રાઇક રેટથી 431 રન બનાવ્યા છે, જેમાં તેના નામે બે અડધી સદી છે. બીજી તરફ 2025માં ટી 20 ટીમમાં વાપસી કર્યા બાદ શુભમન ગિલે 14 ઈનિંગમાં 23.90ની સરેરાશ અને 142.93ની સ્ટ્રાઈક રેટથી 263 રન ફટકાર્યા છે, જેમાં તેના નામે એક પણ અડધી સદી નથી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચો 100 રૂપિયામાં જોઈ શકશો, જાણો ક્યારે અને કેવી રીતે ટિકિટ બુક કરાવવી
ગિલ અને સૂર્યાના કંગાળ ફોર્મને કારણે ભારતને સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારે નુકસાન સહન કરવું પડયું હતુ, જેના કારણે ટીમનો 51 રનથી પરાજય થયો હતો. હવે ભારતીય ટીમ 14 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાળામાં રમાનારી ત્રીજી ટી-20 મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ટી 20 વર્લ્ડ કપને આડે વધુ ફક્ત આઠ મેચો બાકી છે, ત્યારે ભારતને ટૂર્નામેન્ટની તૈયારી માટે ફોર્મમાં પુનરાગમન કરવા માટે સૂર્યકુમાર અને ગિલની જરુર છે.





