IND vs SL ODI Series 2024 Schedule, Dates : ટી-20 શ્રેણી 3-0થી જીત્યા બાદ ભારત શ્રીલંકા સામે શુક્રવારે 2 ઓગસ્ટથી વન-ડે શ્રેણીમાં રમવા ઉતરશે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થશે. રોહિત અને વિરાટ 29 જૂને બાર્બાડોસમાં ભારતની ટી 20 વર્લ્ડ કપ જીત પછી પ્રથમ વખત મેદાન પર એક્શનમાં જોવા મળશે.
રોહિત શર્મા આ ટીમનું નેતૃત્વ કરશે અને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે મળીને કામ કરશે. કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર ભારતના વર્લ્ડ કપ 2023ના ઘણા સ્ટાર્સ 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરશે. શ્રીલંકા સામે શાનદાર રેકોર્ડને કારણે ભારત વન ડે શ્રેણી જીતવાના પ્રબળ દાવેદાર પણ છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને ભારત માટે આ વન ડે ખૂબ જ મહત્વની છે.
બીજી તરફ ટી-20 શ્રેણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ શ્રીલંકાની ટીમ વન ડે શ્રેણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે. ચરિથ અસસંકા શ્રીલંકાનો નવો વન-ડે કેપ્ટન છે. અકિલા ધનંજયા આ ફોર્મેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વોલિફાય ન થઈ શકવાને કારણે યજમાન ટીમની નજર 2027માં યોજાનારા આગામી વર્લ્ડ કપ પર છે.
ઓપનર નિશાન મદુશંકાને પહેલી વખત વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પણ તે બેક-અપ ઓપનર બની શકે છે. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
ભારત વિ. શ્રીલંકા વન-ડે રેકોર્ડઃ હેડ 2 હેડ
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 168 વન ડે રમાઈ ચૂકી છે. આમાં ભારતે અત્યાર સુધીમાં 99 મેચમાં જીત મેળવી છે. જો ભારત 2 ઓગસ્ટ 2024ના રોજ શ્રીલંકાને હરાવશે તો તેની જીતની સદી પુરી થઈ જશે. શ્રીલંકાએ ભારત સામે અત્યાર સુધીમાં 57 વન-ડેમાં વિજય મેળવ્યો છે. આ ઉપરાંત 11 મેચ અનિર્ણિત રહી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.
આ પણ વાંચો – ભારતનો સુપર ઓવરમાં વિજય, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી 5 વન ડેની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ આ તમામમાં જીત મેળવી છે. શ્રીલંકા સામે વન ડેમાં ભારતનો છેલ્લો પરાજય 23 જુલાઈ 2021ના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં થયો હતો.
આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે શ્રીલંકાનો વન-ડે રેકોર્ડ
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ અત્યાર સુધીમાં 31 વન ડે રમી છે. આમાંથી તેણે 8 મેચ જીતી છે, જ્યારે 23માં તેનો પરાજય થયો છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી 4 વન ડેમાં શ્રીલંકાનો પરાજય થયો છે.
આ મેદાન પર વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે 50 ઓવરમાં 5 વિકેટે 375 રન બનાવ્યા હતા. આ મેદાન પર શ્રીલંકાનો સર્વોચ્ચ સ્કોર 366/6 છે, જે તેણે 23 ઓક્ટોબર 2018ના રોજ ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.
આર પ્રેમદાસા સ્ટેડિયમ પીચ રિપોર્ટ
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે મદદગાર મનાય છે. જોકે જેમ જેમ રમત આગળ વધે છે, તેમ તેમ સ્પિનરોને તે વધુ અનુકૂળ બનતી જાય છે. પીચ પર અસમાન ઉછાળ પણ જોવા મળે છે, જે સ્પિનરો સામે બેટ્સમેનોની કુશળતાની કસોટી કરશે. આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 232 રન છે.
કોલંબો હવામાન રિપોર્ટ
એક્યુવેધરના જણાવ્યા અનુસાર કોલંબોમાં રમાનારી ભારત વિરુદ્ધ શ્રીલંકાની પ્રથમ વન-ડે મેચ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. થોડો વરસાદ થવાની પણ શક્યતા છે. તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
ભારત વિરુદ્ધ શ્રીલંકા વનડે શ્રેણી ક્યારે અને ક્યાં જુઓ?
ભારત વિ. શ્રીલંકા વન ડે શ્રેણીની તમામ મેચો કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યાથી (ભારતીય સમય પ્રમાણે) રમાશે. આ મેચનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ સોનીલિવની વેબસાઇટ અને એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કેએલ રાહુલ, ઋષભ પંત, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ, હર્ષિત રાણા.
શ્રીલંકાની ટીમ
પથુમ નિશાંકા, અવિષ્કા ફર્નાન્ડો,ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, જતિન લિયાનગે, ઇશાન મલિંગા, વાનિન્દુ હસરંગા, દુનિત વેલાલાગે, ચામિકા કરુણારત્ને, કુશલ મેન્ડિસ, સદીરા સમરાવિક્રમા, નિશાન મદુશંકા, મહેશ તીક્ષના, અકિલા ધનંજયા, અસિત ફર્નાન્ડો, મોહમ્મદ શિરાજ.
ભારત વિ. શ્રીલંકા વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
- 2 ઓગસ્ટ – પ્રથમ વન-ડે, બપોરે 2.30 કલાકે, કોલંબો
- 4 ઓગસ્ટ – બીજી વન-ડે, બપોરે 2.30 કલાકે, કોલંબો
- 7 ઓગસ્ટ – ત્રીજી વન-ડે, બપોરે 2.30 કલાકે, કોલંબો