IND vs SL Series : ભારતનો આગામી ટી 20 ટીમનો કેપ્ટન કોણ હશે? અત્યારે આ ક્રિકેટ વિશ્વનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે. કદાચ આ જ કારણે 27મી જુલાઈથી શરુ થઈ રહેલા ભારતના શ્રીલંકા પ્રવાસ માટે વ્હાઈટ બોલ ટીમોની જાહેરાત કરવામાં થઈ રહેલા વિલંબનું કારણ પણ હોઈ શકે.
જુદા જુદા અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) બુધવારે ટીમોની જાહેરાત કરવાનું હતું પરંતુ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે કેપ્ટન કોણ હશે? કોઈ સર્વસંમતિ ન થવાના કારણે આ જાહેરાત બીજા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. ભારતીય ટીમની જાહેરાત ગુરુવારે (18 જુલાઈ) થઈ શકે છે.
ગત મહિને ભારતે ટી 20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી બીસીસીઆઇએ નિર્ણય લેવાનો હતો કે હાર્દિક પંડયાને સૌથી ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન તરીકે પાછો લાવવો કે નહીં ? ગયા વર્ષે હાર્દિકની ઈજા બાદ ટીમની કમાન સંભાળનારા સૂર્યકુમાર યાદવને ટી-20માં ટીમનું નેતૃત્વ સોંપવું જોઈએ?
ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થયા બાદ હાર્દિક રિહેબમાં હતો અને આ વર્ષની શરુઆતમાં જ આઇપીએલ 2024થી મેદાન પર પાછો ફર્યો હતો.
આ પણ વાંચો – ભારત વિ શ્રીલંકા ટી20 હેડ ટુ હેડ, ભારતીય ખેલાડીઓના નામે છે મોસ્ટ રન અને વિકેટ રેકોર્ડ
ગંભીર અને જય શાહની બેઠક
આ દરમિયાનમાં સૂર્યકુમાર યાદવે ભારતને ઓસ્ટ્રેલિયા સામેની ટી 20 શ્રેણીમાં 4-1થી જીત અપાવી હતી. અહેવાલ મુજબ નવા કોચ ગૌતમ ગંભીરને હાર્દિકની ફિટનેસ અંગે આશંકા છે કારણ કે આ ઓલરાઉન્ડરને પીઠ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે.
કેટલાક અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગંભીરે બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે વીડિયો કોલ પર બેઠક કરી હતી. જેમાં તેઓએ આગળના દ્રષ્ટીકોણ પર ચર્ચા કરી હતી. પરંતુ ટી -20 કેપ્ટનશિપ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.
ગંભીર અને જય શાહના મત અલગ-અલગ છે
તેમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર ઈચ્છે છે કે સૂર્યા કમાન સંભાળે. જ્યારે જય શાહે હાર્દિકનું સમર્થન કર્યું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આ પ્રવાસમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. જોકે બુધવારે ક્રિકબઝના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રોહિત ત્રણ મેચની વન ડે શ્રેણી માટે પોતાને ઉપલબ્ધ રાખી શકે છે.
ટી 20 વર્લ્ડ કપ 2024 પછી રાહુલ દ્રવિડની જગ્યાએ મુખ્ય કોચ બનનાર ગૌતમ ગંભીરનો શ્રીલંકાનો પ્રથમ પ્રવાસ છે. આ પ્રવાસની શરૂઆત 27 જુલાઈએ ત્રણ ટી 20 મેચોની શ્રેણીની પ્રથમ મેચથી થશે.