ચક દે ઇન્ડિયા : ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

Ind vs Spain Hockey Olympics 2024 : બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો, ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ ફટકાર્યા, ભારતના પેરિસ ઓલિમ્પિક 2024માં 4 મેડલ થયા

Written by Ashish Goyal
Updated : August 08, 2024 22:34 IST
ચક દે ઇન્ડિયા : ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા
Paris Olympics 2024: હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો (તસવીર - હોકી ઇન્ડિયા)

Paris Olympics 2024: હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ભારતે 1968 બાદ પહેલી વખત બેક ટુ બેક ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીત્યો છે. ભારતે આ પહેલ ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતીય ટીમ આ વખતે મેન્સ હોકીની ઈવેન્ટમાં સેમિ ફાઈનલમાં પહોંચી હતી પણ જર્મનીના હાથે તેનો પરાજય થયો હતો અને ટીમ ફાઈનલ ચૂકી ગઈ હતી. પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં ગોલકીપર શ્રીજેશનો દેખાવ શાનદાર રહ્યો હતો. તેણે ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ગોલકીપર પીઆર શ્રીજેશની હોકી કારકિર્દીનો પણ આ મેચ સાથે અંત આવ્યો છે.

ભારત તરફથી હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા

સ્પેન સામે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ ફટકાર્યા હતા. આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં કોઈ પણ ટીમ દ્વારા કોઈ ગોલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં સ્પેનના મિરાલેસે ગોલ કરીને 1-0નો સ્કોર બનાવ્યો હતો. આ પછી ભારતીય ટીમે બીજા હાફના અંત પહેલા જ ગોલ ફટકારીને 1-1નો સ્કોર કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે આ ગોલ કર્યો હતો. બીજા હાફના અંત બાદ સ્કોર 1-1 થઈ ગયો હતો.

આ પણ વાંચો – વિનેશ ફોગાટનું એક દિવસ પહેલા વજન 50 કિગ્રા હતું પણ થોડાક કલાકોમાં 2 કિલો કેવી રીતે વધી ગયું, જાણો કારણ

ત્રીજા હાફમાં ફરી એકવાર ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે આ મેચમાં બીજો ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતને 2-1થી સરસાઈ અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત સિંહનો આ 10મો ગોલ હતો. આ આખી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત સિંહે ફ્રન્ટ પર રહીને ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ભારત માટે સૌથી વધુ ગોલ સ્કોરર પણ રહ્યો હતો.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.

ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કુલ 13 મેડલ

  • એમ્સ્ટરડેમ 1928માં ગોલ્ડ
  • લોસ એન્જલસ 1932માં ગોલ્ડ
  • બર્લિન 1936માં ગોલ્ડ
  • લંડન 1948માં ગોલ્ડ
  • હેલસિંકી 1952માં ગોલ્ડ
  • મેલબોર્ન 1956માં ગોલ્ડ
  • રોમ 1960માં સિલ્વર
  • ટોક્યો 1964માં ગોલ્ડ
  • મેક્સિકો 1968માં બ્રોન્ઝ
  • મ્યુનિક 1972માં બ્રોન્ઝ
  • મોસ્કો 1980માં ગોલ્ડ
  • ટોક્યો 2020માં બ્રોન્ઝ
  • પેરિસ 2024માં બ્રોન્ઝ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ