IND vs USA T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પહેલી બે મેચ જીતી લીધી છે. પ્રથમ મેચમાં ભારતે આર્યેલેન્ડને 8 વિકેટથી અને બીજી મેચમાં પાકિસ્તાનની ટીમને 6 રને હરાવી હતી. હવે ભારતીય ટીમ 12મી જૂને તેની ત્રીજી લીગ મેચ સહ-યજમાન યુએસએ સામે રમશે. ટી-20ના ઈતિહાસમાં આ પહેલી વખત બનશે, જ્યારે બંને ટીમો આમને-સામને રમશે.
આ મેચમાં બંને ટીમો જીતવાનો પ્રયાસ કરશે અને સુપર 8માં જવાની પોતાની દાવેદારીને મજબૂત કરશે. હાલમાં બંને ટીમોએ પોતાની પહેલી બે મેચ જીતીને 4-4 પોઈન્ટ મેળવ્યા છે અને નેટ રન રેટના આધારે ભારત પહેલા નંબર પર છે, જ્યારે યુએએસએ બીજા નંબર પર છે.
જો બંને દેશો વચ્ચેની આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે અને બન્ને ટીમો સુપર-8માં પહોંચી જશે. આ સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ સુપર 8ની રેસમાંથી બહાર થઈ જશે.
પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે શિવમ દુબે
હવે સવાલ એ છે કે છેલ્લી બે મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા અમેરિકા સામે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરી શકે છે કે કેમ? જોકે તેની શક્યતા નહિવત્ લાગી રહી છે, પણ જો ભારત કોઈ ફેરફાર કરશે તો કદાચ શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મુકવામાં આવી શકે છે, જેનું કંગાળ ફોર્મ જારી રહ્યું છે.
જો દુબે ટીમની બહાર થઈ જાય તો આ સ્થિતિમાં સંજુ સેમસન કે યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એકને રમવાની તક મળી શકે છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપના સુપર 8માં પહોંચવાનું પાકિસ્તાનનું સપનું તૂટી શકે છે, આવું છે સમીકરણ
યશસ્વીને મળી શકે છે તક
યશસ્વી જયસ્વાલ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા પ્રબળ દાવેદાર છે. જો તે ટીમમાં આવશે તો રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે કારણ કે વિરાટ કોહલી છેલ્લી બે મેચમાં ખાસ સફળ રહ્યો નથી. પ્રથમ મેચમાં તેણે આયર્લેન્ડ સામે એક રન અને પાકિસ્તાન સામે 4 રન ફટકાર્યા હતા.
સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી નથી. જો યશસ્વીની એન્ટ્રી થાય તો કોહલી તેની જુની પોઝિશન એટલે કે ત્રીજા ક્રમે રમશે અને યશસ્વીના આગમન સાથે ભારતને લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન મળશે અને તે વિરોધી બોલરો માટે પરેશાનીભર્યું બની રહેશે.
બોલિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ સારો દેખાવ કરી રહ્યો છે અને હાર્દિક પંડ્યાની બોલિંગ પણ શાનદાર લાગી રહી છે, તેથી તે બધા જ ટીમમાં રહેશે. અક્ષર પટેલે પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે, પરંતુ રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી.
પાકિસ્તાન સામે તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જોકે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવામાં આવે તેમ લાગતું નથી. આ સ્થિતિમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને રાહ જોવી પડી શકે છે.
યુએસએ સામે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.