IND vs WI 1st Test Day 3 Cricket Score, India vs West Indies 1st Test Score : કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શન (104 રન અણનમ અને 4 વિકેટ)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ્સ અને 140 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
વેસ્ટ ઈન્ડીઝની ટીમ બીજા દાવ 146 રનમાં ઓલઆઉટ
આ મેચમાં ત્રીજા દિવસે ભારતીય ટીમે 5 વિકેટે 448 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગના આધારે ભારત પાસે 286 રનની લીડ હતી. જેના જવાબમાં ત્રીજા દિવસે લંચ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ પહેલા પ્રથમ દાવમાં 162 રનમાં ખખડી ગઇ હતી.
વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
બીજી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન યથાવત્ રહ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે 50 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી.જોન કેમ્પબેલ (14 રન), બ્રાન્ડન કિંગ (5 રન), શાઈ હોપ (1 રન), તેજનારાયણ ચંદ્રપોલ (8 રન), કેપ્ટન રોસ્ટન ચેઝ (1 રન) સસ્તામાં આઉટ થયા હતા. એલિક એથાનાસે (38 રન) અને જસ્ટિન ગ્રીવ્સે (25 રન) એ 46 રનની ભાગીદારી કરી.
આ પણ વાંચો – અમદાવાદમાં રવિન્દ્ર જાડેજાની ખાસ સિદ્ધિ, કપિલ દેવના લિસ્ટમાં થયો સામેલ, ધોનીને રાખ્યો પાછળ
રવિન્દ્ર જાડેજાની 4 વિકેટ
આ ભાગીદારી તૂટ્યા પછી ભારતનો વિજય માત્ર એક ઔપચારિકતા બની ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ બીજા દાવમાં ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા સ્થાને
વેસ્ટ ઇન્ડીઝ સામે મોટી જીત મેળવી હોવા છતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમનું સ્થાન યથાવત રહ્યું છે. તે ત્રીજા સ્થાને છે. જોકે ભારતની જીતની ટકાવારી નોંધપાત્ર રીતે સુધરીને હવે 55.56 પર પહોંચી ગઈ છે. ભારત 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં અત્યાર સુધી 6 મેચ રમ્યું છે, જેમાં ત્રણ મેચમાં જીત મેળવી છે, બે માં પરાજય થયો છે અને એક ડ્રો રહી છે. ભારતના હવે કુલ 40 પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. તે ત્રણ મેચ રમ્યું છે અને ત્રણેય જીતી છે, જેની જીત ટકાવારી 100.00 છે. શ્રીલંકા આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે અત્યાર સુધી તેની બે મેચમાંથી એક જીતી છે અને એક ગુમાવી છે. શ્રીલંકાની જીતની ટકાવારી હાલમાં 66.67 છે. ભારત સામે પહેલી ટેસ્ટ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડીઝ છઠ્ઠા સ્થાને છે.