IND vs WI 1st Test Jasprit Bumrah Equals Javagal Srinath Record : ભારતીય બોલરોએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝને ધરાશાયી કરી દીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો હતો અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.
ભારતીય ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ટીમને શાનદાર શરુઆત અપાવી હતી અને વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમ 162 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ બુમરાહે ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ભારતની ધરતી પર જસપ્રીત બુમરાહની’અડધી સદી’
જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રીજી વિકેટ ઝડપતાની સાથે જ ભારતમાં 50 ટેસ્ટ વિકેટ પુરી કરી હતી. તેણે માત્ર 24મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તે ભારતમાં સૌથી ઝડપી 50 ટેસ્ટ ક્રિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. બુમરાહે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથની બરોબરી કરી હતી. આ યાદીમાં બીજા નંબરે કપિલ દેવ છે, જેણે 25 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિવાય ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ ભારતની ભૂમિ પર 27-27 ઇનિંગ્સમાં 50 ટેસ્ટ વિકેટ પુરી કરી હતી.
આ પણ વાંચો – શુભમન ગિલે ખોલ્યું મોટુ રહસ્ય, કેવી રીતે સચિન તેંડુલકરના ગુરુમંત્રએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં કર્યો કમાલ
જસપ્રીત બુમરાહે 14 ઓવર ફેંકી હતી અને 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે ઓવરઓલ ટેસ્ટ કારકિર્દીમાં કુલ 222 વિકેટ ઝડપી છે. આ તેની 49મી ટેસ્ટ મેચ છે. જ્યારે ભારતમાં આ તેની 13મી ટેસ્ટ મેચ છે. અગાઉ જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ત્રણ મેચમાં 14 વિકેટ ઝડપી હતી.
સિરાજ પાંચ વિકેટથી વંચિત રહ્યો
મોહમ્મદ સિરાજ આ ઈનિંગમાં ભારતની ભૂમિ પર સૌપ્રથમ પાંચ વિકટ ઝડપવામાં ચૂકી ગયો હતો. તેણે 14 ઓવરમાં 40 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે લાંબા સમય બાદ ભારત માટે સફેદ જર્સીમાં રમવા ઉતરેલા કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી કોઈ પણ બેટ્સમેન 40 રન સુધી પહોંચી શક્યો ન હતો. જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધારે 32 રન બનાવ્યા હતા.