Ravindra Jadeja Test Record : વેસ્ટ ઈન્ડીઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સાથે એક ખાસ ક્લબમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ટેસ્ટમાં છઠ્ઠી સદી સાથે જાડેજા હવે ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાં 300થી વધુ વિકેટ અને 6 કે તેથી વધુ સદી ફટકારનારો છઠ્ઠો ક્રિકેટર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા હાલ આઇસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે.
કપિલ દેવ-ઇમરાન ખાનની ખાસ લિસ્ટમાં સામેલ થયો જાડેજા
રવિન્દ્ર જાડેજા પહેલા ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 300થી વધુ વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, ભારતના કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન, પાકિસ્તાનનો ઈમરાન ખાન અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરીનો સમાવેશ થાય છે. જાડેજાએ વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે 169 બોલમાં સદી ફટકારીને આ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. જાડેજા 176 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 104 રને અણનમ છે.
36 વર્ષીય રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન અને 300થી વધુ વિકેટ ઝડપનારો ચોથો ક્રિકેટર બનવાથી માત્ર 10 રન દૂર છે. હાલમાં આ ખાસ યાદીમાં ભારતના કપિલ દેવ, ઈંગ્લેન્ડના ઈયાન બોથમ અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરી સામેલ છે. વેસ્ટ ઈન્ડીઝ સામે જાડેજાએ ધ્રુવ જુરેલ સાથે પાંચમી વિકેટ માટે 206 રનની ભાગીદારી કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ ધોનીને પાછળ છોડી દીધો
રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડીઝ સામેની 104 રનની ઈનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારી હતી. આ સાથે તે હવે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર આવી ગયો છે, જ્યારે એમએસ ધોની હવે 5મા ક્રમે આવી ગયો છે.
આ પણ વાંચો – કેએલ રાહુલની સદી, એકસાથે કોહલી, રોહિત અને ગંભીરનો રેકોર્ડ તોડ્યો
ટેસ્ટમાં જાડેજાએ અત્યાર સુધીમાં કુલ 80 સિક્સ ફટકારી છે જ્યારે એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 78 છગ્ગા ફટકાર્યા છે. ભારત તરફથી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરેન્દ્ર સહેવાગ અને ઋષભ પંત નંબર વન પર છે, જેમના નામે 90-90 સિક્સર છે. રોહિત શર્મા 88 સિક્સર સાથે ત્રીજા નંબરે છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતની મજબૂત પકડ
કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજાની (104 અણનમ) સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના 162 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 128 ઓવરમાં 5 વિકેટે 448 રન બનાવી લીધા છે. ભારતે 286 રનની લીડ મેળવી લીધી છે અને હજુ તેની 5 વિકેટો બાકી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રને રમતમાં છે.