Sachin Tendulkar’s Advice Helped Shubman Gill : ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. યુવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની કેપ્ટન્સી હેઠળ ટીમ પ્રથમ વખત રેડ બોલ ક્રિકેટ રમ્યું હતું. આ સિરીઝમાં યુવા ભારતીય ટીમે બ્રિટિશરોને હંફાવી દીધા હતા. પાંચ ટેસ્ટની આ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. હવે ભારતીય કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામેની આ શ્રેણીને લગતું એક મોટું રહસ્ય ખોલ્યું છે.
શુભમન ગિલે કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ તેણે સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના લેજન્ડ ખેલાડી પાસેથી ખાસ સલાહ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રવાસમાં શુભમન ગિલે ચાર સદીની સહારે 754 રન ફટકાર્યા હતા.
કઈ સલાહથી પલટાયું શુભમન ગિલનું ભાગ્ય?
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ મેચ અગાઉ શુભમન ગિલે જિયો હોટસ્ટાર સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને કહ્યું હતુ કે તેના પ્રદર્શન પાછળના બંને લેજન્ડ્સની સલાહ ખુબ ઉપયોગી નીવડી હતી. ભારતીય કેપ્ટને કહ્યું કે ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ તેણે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર તેમજ ઓસ્ટ્રેલિયન લેજન્ડરી બેટ્સમેન સ્ટીવ સ્મિથની સલાહ લીધી હતી.
ગિલે કહ્યું કે ભારતની બહાર સારું પ્રદર્શન કરવા માટે પહેલેથી જ દબાણ હતું. પરંતુ જે રીતે મેં તૈયાર કરી તેનાથી મને વિશ્વાસ હતો. મેં સચિન સર સાથે વાત કરી અને મેથ્યુ વેડ પાસેથી સ્ટીવ સ્મિથનો નંબર લઇને તેમની સલાહ પણ લીધી હતી. બંનેએ એક જ વાત કહી હતી કે ડિફેન્સ સ્ટ્રેટ એન્ડ સ્કોર સ્ક્વોયર.
શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં 75.40ની સરેરાશથી 754 રન ફટકાર્યા હતા
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં 75.40ની સરેરાશથી 754 રન ફટકાર્યા હતા. તેણે ચાર સદી ફટકારી હતી. તેની બેટિંગની ખાસ વાત એ હતી કે જ્યારે પણ તેણે પચાસ રનનો આંકડો પાર કર્યો ત્યારે તેણે તેને સદીમાં ફેરવી નાખ્યો હતો. તેણે બંને દિગ્ગજોની સલાહનું પાલન કર્યું હતું અને તેની અસર ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં તેમના પ્રદર્શનમાં જોવા મળી હતી. અગાઉ શુભમન ગિલને જેમ્સ એન્ડરસન, કાયલ જેમિસન, ટિમ સાઉથી, સ્કોટ બોલેન્ડ જેવા બોલરો સતત પરેશાન કરતા હતા. તેના આગળના પગ પર લો વેઈટ ટ્રાન્સફરની સમસ્યા સતત સામે આવી રહી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામે કેપ્ટન તરીકે શુભમન ગિલની આ બીજી ટેસ્ટ શ્રેણી છે. તે ભારતની ભૂમિ પર પહેલી વખત કેપ્ટન તરીકે ટેસ્ટ મેચ રમવા ઉતર્યો છે. ભારતને આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટ શરુ થઇ ગઇ છે અને શ્રેણીની બીજી મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.