IND vs WI 5th T20 Score : રોમારિયો શેફર્ડની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) પછી બ્રાન્ડોન કિંગની અડધી સદી (85 અણનમ)અને નિકોલસ પૂરનના 47 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની પાંચમી ટી-20 મેચમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મેચની શ્રેણી 3-2થી જીતી લીધી છે. કિંગે 55 બોલમાં 5 ફોર 6 સિક્સરની મદદથી અણનમ 85 રન બનાવ્યા હતા.
બ્રોન્ડોન કિંગના અણનમ 85 રન
કાયલ મેયર્સ 10 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયો હતો. બ્રોન્ડોન કિંગ અને નિકોલસ પૂરને બાજી સંભાળી હતી. કિંગે 38 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી હતી. પૂરન 35 બોલમાં 47 રન બનાવી તિલક વર્માનો શિકાર બન્યો હતો. બીજી વિકેટ માટે કિંગ અને પૂરને 107 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી કિંગે અણનમ 85 અને શાઇ હોપે અણનમ 22 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
સૂર્યકુમાર યાદવની અડધી સદી
ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર શુભમન ગિલ (9) અને યશસ્વી જયસ્વાલ (5) સસ્તામાં આઉટ થતા ભારતે 17 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ બાજી સંભાળી હતી. તિલક વર્મા 18 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 27 રન બનાવી રોસ્ટન ચેઝનો શિકાર બન્યો હતો. સંજુ સેમસન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 13 રને આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવે એક છેડો સાચવી રાખતા 38 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા સારી શરૂઆતને મોટા સ્કોરમાં ના ફેરવી શકતા 18 બોલમાં 14 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર 45 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 61 રન બનાવી હોલ્ડરની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : આ તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ થશે
બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
વેસ્ટ ઇન્ડીઝ : બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, અકેલ હોસેન, અલ્ઝારી જોસેફ.