IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ પછી ત્રિનિદાદથી બાર્બાડોસની યાત્રા પર નારાજગી વ્યક્ત કરી છે. ટીમે એરપોર્ટ પર 4 કલાક સુધી વિમાનની રાહ જોવી પડી હતી. બીસીસીઆઇને વિનંતી કરી કે ભવિષ્યમાં રાતની કોઇ ફ્લાઇટ બુક કરવામાં ન આવે. ભારતીય ટીમે ત્રિનિદાદથી રાત્રે 11 કલાકે વિમાનમાં રવાના થવાનું હતું અને સવારે જલ્દી બાર્બાડોસ પહોંચવાનું હતું. વિમાન 11 વાગ્યાના બદલે સવારે 3 કલાકે ઉડાન ભરી હતી અને ટીમ સવારે 5 કલાકે બાર્બાડોસ પહોંચી હતી.
આ કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે આગળની યાત્રા માટે સારી યોજના બનાવવાની વિનંતી કરી હતી અને મોડી રાત્રે જવાના બદલે સવારે યાત્રા કરવા કહ્યું છે. વરસાદના કારણે બીજી ટેસ્ટ મેચનો અંતિમ દિવસ ધોવાઇ ગયો હતો. જેના કારણે ભારતે જીતથી વંચિત રહેવું પડ્યું હતું અને શ્રેણીમાં 1-0થી જીતથી સંતોષ માનવો પડ્યો હતો. હવે બન્ને ટીમો વચ્ચે વન-ડે શ્રેણી રમાશે.
બીસીસીઆઈ યાત્રામાં ફેરફાર કરશે
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે ટીમ રાત્રે 8.40 કલાકે હોટલથી એરપોર્ટ માટે નીકળી હતી અને એરપોર્ટ પર ઘણા સમય સુધી રાહ જોવી પડી હતી. ટીમ મેનેજમેન્ટે અમને મોડી રાતની ફ્લાઇટના બદલે સવારની ફ્લાઇટ બુક કરાવવાની વિનંતી કરી છે કારણ કે ખેલાડી મેચ પછી થોડોક આરામ ઇચ્છતા હતા. બીસીસીઆઈ તેના પર રાજી થઇ ગયું છે અને આગામી કાર્યક્રમમાં સંશોધન કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા વરસાદના કારણે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી, પાકિસ્તાન ટોચના સ્થાને
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની વન-ડે શ્રેણી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. પ્રથમ વન ડે 27 જુલાઇ અને બીજી વન ડે 29 જુલાઇના રોજ બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. 1 ઓગસ્ટે ભારતીય ટીમ ત્રીજી વન ડે મેચ રમશે. આ મેચ રમવા માટે 29 તારીખે જ ત્રિનિદાદ પરત ફરશે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, યુજવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન અને ઉમરાન મલિક જેવા ખેલાડી જે ભારતની વન-ડે ટીમમાં પસંદ થયા છે તે બાર્બાડોસ પહોંચી ગયા છે. જલ્દી ટીમના અન્ય સભ્યો સાથે જોડાઇ જશે.





