IND vs WI: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે શ્રેણીમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બહાર થઇ ગયો છે. બીસીસીઆઈએ સિરાજની ફિટનેસને લઇને ચિંતાજનક જાણકારી આપી છે. બોર્ડના મતે એડીમાં ઇજાના કારણે સિરાજ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. વન-ડે ક્રિકેટમાં સિરાજ ફાસ્ટ બોલિંગ આક્રમણમાં પ્રમુખ સદસ્ય છે. એશિયા કપ 2023 અને વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને તેનું ઇજાગસ્ત થવું રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ માટે ચિંતાનો વિષય છે. જોકે બોર્ડે નિવેદનમાં એ જણાવ્યું નથી કે તેની ઇજા કેટલી ગંભીર છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે 3 મેચની વન-ડે શ્રેણી 27 જુલાઇથી શરૂ થઇ રહી છે. હાલ મોહમ્મદ સિરાજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી. બીસીસીઆઈએ સિરાજના ફિટનેસને લઇને એક નિવેદનમાં કહ્યું કે ત્રિનિદાદમાં હાલમાં સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં 31થી વધારે ઓવર ફેંકનાર ફાસ્ટ બોલર સિરાજના એડીમાં દર્દ છે અને સાવધાની રાખતા બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.
સતત ક્રિકેટ રમી રહ્યો હતો સિરાજ
2023માં મોહમ્મદ સિરાજ શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસટ્રેલિયા સામે વન-ડે શ્રેણી રમ્યો હતો. તે વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને છે. 2022માંથી અત્યાર સુધી તે વન-ડેમાં સૌથી વધારે 43 વિકેટ ઝડપનાર બોલર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની 2-1થી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી 14 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. આ પછી જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પણ રમ્યો હતો.
આ પણ વાંચો – ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : કેરેબિયન પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમ રાત્રે નહીં કરે સફર, જાણો શું છે કારણ
વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.