Virat Kohli Records : ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે અને ત્યાર બાદ ત્રણ વન ડેની શ્રેણી રમાશે. આ શ્રેણી બાદ બંને દેશો વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમનો ભાગ છે પરંતુ તે ટી-20 સીરીઝમાં રમશે નહીં.
ટેસ્ટ શ્રેણી દરમિયાન બધાની નજર વિરાટ કોહલી પર રહેશે છે કારણ કે 2020થી તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો છે અને તેની એવરેજ બહુ સારી રહી નથી. વેસ્ટ ઇન્ડીઝ સામે તેની પાસે તેનો રેકોર્ડ સુધારવાની સારી તક રહેશે. તેની પાસે આવું કરવાની પુરી ક્ષમતા પણ છે. જોવા જઈએ તો કોહલી પાસે વેસ્ટ ઇન્ડીઝમાં ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરવાની પણ શાનદાર તક રહેશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાની તક
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે તમામ ફોર્મેટમાં 3653 રન બનાવ્યા છે, પરંતુ આ મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ પહેલા નંબર પર છે. જેણે આ ટીમ સામે તમામ ફોર્મેટમાં 4120 રન બનાવ્યા હતા. જો વિરાટ કોહલી આ સિરીઝ દરમિયાન 467 રન બનાવશે તો તે કાલિસને પાછળ છોડી દેશે. કોહલીને બે ટેસ્ટ અને ત્રણ વન ડે રમવાની છે, જેના કારણે આ સ્કોર કરવો બહુ મુશ્કેલ લાગતો નથી.
આ પણ વાંચો – વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટી-20 ટીમની જાહેરાત, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર નવા ચહેરા
રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવા પર નજર
વિરાટ કોહલી પાસે આ સિરીઝ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર સૌથી વધુ રન બનાવવાની શાનદાર તક છે. કોહલીએ અત્યાર સુધી કેરેબિયન ધરતી પર 50.65ની એવરેજથી 1365 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 6 અડધી સદી ફટકારી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ નંબર પર છે. જેમણે કુલ 1838 રન બનાવ્યા હતા. જો કોહલી આ વખતે 473 રન બનાવે છે તો તે રાહુલ દ્રવિડને પાછળ છોડીને ભારત તરફથી વેસ્ટ ઇન્ડીઝમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની જશે.
કોહલી પાસે સુનીલ ગાવસ્કરને પાછળ છોડવાની તક
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવાના મામલે સુનીલ ગાવસ્કર પહેલા નંબરે છે. જેમણે આ દેશ સામે 13 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી તમામ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 11 સદી ફટકારી છે. જો તે આ પ્રવાસમાં વધુ ત્રણ સદી ફટકારશે તો ગાવસ્કરને પાછળ છોડી દેશે.