India Womens Team Wear Pink Jersey : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વન ડે વર્લ્ડ કપ અગાઉની આખરી મેચમાં ખાસ પિંક જર્સી પહેરી મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડિયા શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી નિર્ણાયક મેચમાં રમશે. સહ-યજમાન શ્રીલંકા સામેની વર્લ્ડ કપના ઓપનિંગના માત્ર 10 દિવસ પહેલા જ આ મેચમાં આવનાર હરમનપ્રીત કૌરની ટીમ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી પરંપરાગત બ્લૂ જર્સીને બદલે ગુલાબી રંગની જર્સીમાં જોવા મળી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે વીડિયો સંદેશમાં કહ્યું કે દરરોજ અમે અનિશ્ચિતતાઓ માટે તૈયારી કરીએ છીએ અને આ જર્સી તૈયાર રહેવાની યાદ અપાવે છે. ચાલો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિશનને પોતાની માસિક દિનચર્યા બનાવીએ અને સ્તન કેન્સર સામે ઉભા રહીએ. ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ કહ્યું કે, આ ગુલાબી રંગની જર્સી માત્ર એક પ્રતીક કરતાં વધુ છે. તે જીવન બચાવવાની ટેવ બનાવવાનો આહ્વાન છે. ચાલો આપણે બધા સાથે મળીને સ્તન કેન્સર સામે લડીએ.
આવું અગાઉ પણ બન્યું છે
વર્ષ 2016માં વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની વન ડે દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની આગેવાની હેઠળની મેન્સ ટીમે ખાસ જર્સી પહેરી હતી, જેમની પીઠ પર પોતાની માતાના નામ લખેલા હતા. ત્યારબાદ 2019માં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં રાંચીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વન-ડે મેચ દરમિયાન તેણે કૈમોફ્લેજ કેપ પહેરી હતી.
આ પણ વાંચો – સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા પ્લેયર બની, તોડ્યો 3 વર્ષ જૂનો રેકોર્ડ
ભારત આવું કરનાર પહેલો દેશ નથી. દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં ન્યૂ ઇયર ટેસ્ટ દરમિયાન એક મુખ્ય વાર્ષિક સ્તન કેન્સર જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે, જેને ‘પિંક ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે આયોજિત આ મેચ ગ્લેન મેકગ્રાની દિવંગત પત્ની જેન મેકગ્રાના માનમાં ગુલાબી રંગમાં રંગાઇ જાય છે અને મેકગ્રા ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કરે છે અને જાગૃતિ ફેલાવે છે.





